વીણામાં વરસાદી પાણી ફરી વળતાં પ૦૦ વીઘાંનો પાક ડૂબ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- વીણામાં વરસાદી પાણી ફરી વળતાં પ૦૦ વીઘાંનો પાક ડૂબ્યો

નડિયાદ : નડિયાદ - કપડવંજ હાઈવે રોડ ઉંચો કરી દેતાં વીણાની પ૦૦ વીઘાં ઉપરાંત જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં બે થી ૪ ફૂટ વરસાદી પાણી ભરાતા તમાકુ, કપાસનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે. જ્યારે ડાંગરનો પાક બોરાણ જતાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. આ સંદર્ભે વીણા ગામના સરપંચ રાકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આર.એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા બે વર્ષ અગાઉ નડિયાદ-કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈવેનું કામકાજ હાથ ધરાયુ હતું.
આર એન્ડ બી દ્વારા આ હાઈવે અગાઉના રોડથી આશરે ૩ થી પ ફૂટ જેટલો ઉંચો બનાવવામાં આવેલ છે. નડિયાદ તાલુકાના મંગળપુરાથી બિલોદરા સુધીના માર્ગની ઉંચાઈ વધુ હોવાથી વીણા ગામની સીમમાં આવેલ પ૦૦ વીઘાં જમીનમાં ૪ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અગાઉ આ રોડની બંન્ને બાજુ શટર હોવાથી મહુધા તરફથી આવતું વરસાદી પાણી મંગળપુરા થઈ ખેતરમાર્ગે વીણા ખેતરોમાં થઈ કાંસ દ્વારા નદીમાં જતુ રહેતુ હતું. પરંતુ આ નવા રોડ દરમિયાન બંન્ને બાજુની ગટરો પર પણ રોડ બનાવી દેવામાં આવ્યો છે.
જેના કારણે વીણા ગામના પ૦૦ વીઘાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોએ મહામહેનતે રોપેલ દેશી તમાકુ, કપાસનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો હતો. આ ઉપરાંત ડાંગરનો પાક સંપૂર્ણ બોરાણ જતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. છેલ્લા ૪ દિથી પાણીનો નિકાલ ન થવાથી ખેતરોમાં પાણી ભરાતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે. સ્ટેટ હાઈવે અને રેલવે લાઈન ઉંચાઈ હોવાથી બંન્ને વચ્ચેથી પાણીનો નિકાલ થતો નથી. દરવર્ષે આજ પરિસ્થિતિ સર્જા‍ય છે.
જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવુ પડે છે. તો આ સંદર્ભે સબંધિત તંત્ર દ્વારા હાઈવે રોડની બંન્ને સાઈડે તાકીદે ગટર બનાવી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની લાગણી અને માગણી છે.

હિંમતપુરા લાટની ૧ હજાર વિઘા જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતો બેહાલ
ઠાસરા તાલુકાના હિંમતપુરા લાટ વિસ્તારના ખેતરોમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ કરેલ મહામૂલા કપાસ, તમાકુ અને દિવેલાનો પાક સદંતર નિષ્ફળ ગયો હતો અને હાલ જમીન બોરણમાં ગઈ હોય તેવો માહોલ સર્જા‍યો છે તેમજ આ ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી નજરે પડે છે.