જીએસપીસીએ પ૦૦ના બદલે ૭૦૦૦નું બિલ ફટકારતાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રજૂઆત કરાતાં ટેક્નિકલ ખામી સુધારાઈ પણ બિલ સુધારવામાં ગ્રાહકને ઉતરસંડાથી નડિયાદના ધરમધક્કા

જીએસપીસી દ્વારા ગ્રાહકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જીએસપીસીની ભૂલના કારણે ગ્રાહકને રૂ. પ૦૦ના બદલે રૂ. ૭,૦૦૦નું બિલ ફટકારવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદ કરવામાં આવતાં વધુ બિલ માટે રહેલી ટેક્નિકલ ખામી દૂર કરવામાં આવી હતી, પરંતુ બિલના નાણાંમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નોહતો. આ બિલ સુધારવા માટે ગ્રાહકને ઉતરસંડાથી નડિયાદ સુધીના ધરમધક્કા ખાવા પડી રહ્યાં છે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં નરસંડા પાસે રહેતાં દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે '૧૩ જુલાઈ, ૨૦૧૧ના રોજ જીએસપીસીનું કનેક્શન લીધું હતું અને ૧ સપ્ટેમ્બર, ૨૦૧૩ સુધીનો તેનો સરેરાશ વપરાશ ૧૨થી ૧૮ યુનિટનો જ હતો, પરંતુ નવેમ્બર માસના બિલમાં ૧૬૩ યુનિટનું બિલ ફટકારવામાં આવ્યું છે. આ બાબતની કમ્પલેઇન પણ કરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાનમાં લઈને કંપનીના કર્મચારીઓ દ્વારા તપાસ કરાતાં બોલ કોકમાં ફોલ્ટ હોવાનું માલૂમ પડયું હતું, જેથી તેઓને ઉતરસંડાથી નડિયાદ જવા જણાવ્યું હતું.

કમ્પ્લેઇન તો સોલ્વ થઈ, પરંતુ જે બિલ ફટકારવામાં આવ્યું છે, તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. નડિયાદ ઓફિસે પહોંચ્યા બાદ 'આ બિલ તો તમારે ભરવું જ પડશે’ તેવા ઉદ્ધત જવાબો આપી રહ્યા છે.’
વધુમાં તેઓએ કહ્યું હતું કે 'સરેરાશ રૂ. પ૦૦થી ૬૦૦નું બિલ આવતું હતું. જેનાં બદલે રૂ. ૭ હજારનું બિલ આપવામાં આવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.’

ગ્રાહકને નુકશાન થવા નહીં દઈએ : જીએસપીસી
આ સંદર્ભે જીએસપીસીના અધિકારી દિપેન ચૌહાણનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યું હતું કે 'આ અંગેની ફરિયાદ હજુ સુધી મારી પાસે આવી નથી, પરંતુ ફરિયાદમાં તથ્ય હશે તો ચોક્કસપણે ગ્રાહકને નુકશાન થવા દેવામાં નહીં આવે. આ અંગે લેખિતમાં સ્થાનિક બ્રાન્ચના હેડને રજૂઆત ગ્રાહક દ્વારા કરવામાં આવે તો તેમાં પગલાં ભરી શકાય.’