ઠાસરા એસટી સ્ટેન્ડ પર બસ થોભવવામાં અખાડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોજિંદા મુસાફરોને રોજબરોજ હાલાકી વેઠવી પડતી હોવાની રાવ

ઠાસરા ગામના બસ સ્ટેન્ડ પર મહત્વના રૂટની એક્સપ્રેસ બસ નિયમિત રીતે ન થોભતાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમાંય કેટલીકવાર એસટી બસના ચાલક દ્વારા બસને દૂર ઊભી રાખતાં હોઈ મુસાફરોને દોડધામ કરવી પડતી હોય છે. એથી ખાસ કરીને મહિ‌લા તેમ જ અશક્ત મુસાફરોની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે આ પ્રશ્ને એસટીના સત્તાધીશો દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

આ અંગે સ્થાનિક જાગૃત્તજનોના વધુમાં જણાવ્યા મુજબ ગોધરાથી વાયા ડાકોર, ઠાસરા થઈને જતી - આવતી એસટી બસમાં સ્ટેન્ડ ફાળવવામાં આવેલ એક્સપ્રેસ બસો પણ ન થોભતી હોવાની ફરિયાદ પ્રર્વત્તે છે. તેમાંય ગોધરાથી બાજુથી સાંજે પ કલાકના આસપાસના સુારે ઠાસરા તરફ આવતી બારેજા ડેપોની બારિયા - અમદાવાદ એક્સપ્રેસ બસને ઠાસરા બસ સ્ટેન્ડમાં ન લાવી મુસાફરોને સ્ટેન્ડ બહાર દોડવી પરેશાન કરવામાં આવે છે.

થોડા સમય પહેલાં બસને ઉભી રાખવાને બદલે બસ સ્ટેન્ડ પાસે ટર્ન લઈને દોડાવી મુકવામાં આવી હતી. એથી બસની પ્રતિક્ષામાં તૈનાત મુસાફરો માટે જોખમી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ મુદ્દે કેટલાક જાગૃત્ત મુસાફરોએ બસ સ્ટેન્ડના ટ્રાફિક કન્ટ્રોલર સમક્ષ ફરિયાદ પણ લખાવી હતી. આ ઉપરાંત ગોધરા તરફથી આવતી અને ડાકોરથી ગોધરા તરફ જતી કેટલીય બસોને સ્ટેન્ડ હોવા છતાંય ઠાસરા એસટી બસ સ્ટેન્ડ પર લાવવામાં આવતી નથી. તેમ જ બારોબાર દોડાવી મુકાય છે. એથી સ્થાનિક મુસાફરોને આખરે ખાનગી શટલિયા વાહનોમાં જોખમી મુસાફરી કરવાનો વારો આવતો હોય છે. આ પ્રશ્ને ડાકોર ડેપો મેનેજર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.