• Gujarati News
  • People Face The Trouble At Nadiad Cause Of Corporation

પાલિકાને લીધે જીવ પડીકે બંધાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના અગ્રણીઓનું આવેદનપત્ર : માર્ગો ઉપર ખોદકામ બાદ ચોમાસા પૂર્વે ખાડાં પુરણ નહીં થાય તો જોખમી સ્થિતિની ભીતિ વ્યક્ત કરી : પાલિકાએ કામગીરી પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ નહીં કરી પ્રજાને વૈકલ્પિક વ્યવસ્થામાં બેદરકારી દાખવી

નડિયાદ શહેર તેમ જ આસપાસના સોસાયટી વિસ્તારમાં પાઇપલાઇન, આરો પ્લાન્ટ વગેરે કામગીરી માટે રસ્તાઓનું ખોદકામ જારી છે ત્યારે ચોમાસું બારણે દસ્તક દેવાની તૈયારી કરી રહ્યું છે. શહેરના મોટાભાગના હાર્દસમા વિસ્તારોમાં મુખ્ય માર્ગ પરના ખોદકામને કારણે પ્રજાને વરસાદની મોસમ દરમિયાન પારાવાર સમસ્યાનો સામનો કરવો પડશે તેવી ભીતિ લોકોમાં ઊઠી છે. આ મુદ્દે મંગળવારે પ‌શ્ચિ‌મ નાગરિક સમિતિના અગ્રણીઓએ અને નગરજનોએ સેવા સદનના મુખ્ય અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને નગરપાલિકાની વર્તમાન કામગીરીમાં જાહેર સુખાકારી અને નાગરિકોની સુવિધા જાળવવાના બંધારણીય હેતુમાં સરિયામ નિષ્ફળ પુરવાર થયો હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

આ અંગે નડિયાદ પ‌શ્ચિ‌મ નાગરિક સમિતિના અગ્રણી પ્રમોદભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 'નગરપાલિકાની કામગીરીમાં જાહેર સુખાકારી અને નાગરિકોની સુવિધા જાળવવાનો બંધારણીય હેતુ સમાયેલો છે. તેમ જ જ્યારે જાહેર નાગરિકોની સુવિધાની કામગીરી શરૂ કરવાની હોય અને રસ્તાઓ ઉપર ખોદકામ કરવાનું હોય ત્યારે અગાઉથી નાગરિકોની સુવિધાઓને ધ્યાનમાં લઈ જાહેરનામું બહાર પાડવું ફરજિયાત હોય છે, જેમાં દર્શાવવું પડે કે આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે અને ક્યા પ્રકારનું કામ શરૂ કર્યું છે.

વધુમાં અગ્રણી પંકજ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે 'પાલિકાએ જે સ્થળે કામ શરૂ કર્યું હોય ત્યાંનાં નાગરિકોના પગે ચાલવા તેમ જ વાહન લાવવા લઈ જવાના વૈકલ્પિક રસ્તાઓ, નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તેવું જાહેરનામાના માધ્યમથી દર્શાવવું જોઈએ. નડિયાદ શહેરમાં હાથ ધરાયેલી મોટાભાગની કામગીરીમાં આ પ્રકારનું જાહેરનામું શહેરીજનોના ધ્યાન પર આજદિન સુધીમાં આવ્યું નથી. એથી જ શહેરીજનોને હાલ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ પ્રશ્ને અગ્રણી નાગરિકોએ મંગળવારે બપોરે નગર સેવા સદન ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને પાલિકા દ્વારા શહેરના સંબંધિત વિસ્તારના માર્ગ પર ખોદકામ કરતા પૂર્વે અગાઉથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને નાગરિકોને જાણ કરવાની જોગવાઈ સ્થાનિક તંત્રમાં છે કે કેમ? એવો સણસણતો સવાલ પૂછ્યો હતો. આ ઉપરાંત શહેરના કોલેજ રોડ, મિલ રોડ, નાના કુંભનાથ રોડ સહિ‌ત મોટાભાગના માર્ગો ઉપર ખોદકામ બાદ કોન્ટ્રેક્ટર દ્વારા ખાડા પુરવા માટે માત્ર માટી ઉપરથી વાળેલ છે. ચોમાસું માથે હોવાથી આ કામગીરી પાલિકાના યોગ્ય સુપરવિઝન તળે સમય મર્યાદામાં પૂરી કરવામાં નહીં આવે તો રોડ પર પાણી ફરી વળે ત્યારે રાહદારી કે વાહનચાલક માટે અત્યંત જોખમી પુરવાર થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.