તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધાના કબ્રસ્તાનમાંથી મહિ‌લાનાં મૃતદેહને પીએમ માટે બહાર કઢાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્યુવેદિક તબીબ હોવા છતાં એલોપેથી સારવારથી સર્ગભા મહિ‌લાનું મૃત્યુ થવાના કેસમાં તપાસ અંતર્ગત કાર્યવાહી કરાઈ

મહુધા ચોખંડી ભાગોળમાં આવેલાં આર્યુવેદિક ડોક્ટર દ્વારા એલોપેથી સારવાર કરતાં એક સર્ગભા મહિ‌લાનું મૃત્યુ થવાનાં કેસમાં પરિવારજનોએ રજૂઆત કરી હતી. આ સંદર્ભે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને વરસતાં વરસાદમાં ગુરુવારે સવારે મહુધાના ફિણાવ ભાગોળ પાસે આવેલાં કબ્રસ્તાનમાંથી મહિ‌લાનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમયે લોકોનાં ટોળેટોળાં કબ્રસ્તાનમાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પંચોની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી કોફિનમાં સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાંથી પીએમ માટે અમદાવાદ બી.જે.મેડિકલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં મૃતક પરવીનબહેનનાં ભાઈ આશિકહુસેન અબ્બાસમિંયા મલેકે જણાવ્યું હતું કે 'મહુધા ચોખંડી ભાગોળમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં આર્યુવેદિક ડોક્ટર અબ્દુલરઉફ મેમણ એલોપેથી સારવાર કરતાં હતાં. તેઓની પાસે આર્યુવેદિક ડિગ્રી હોવા છતાં કેટલાય સમયથી આ પ્રમાણેની સારવાર કરી રહ્યા હતા. ૩૦ મે, ૨૦૧૩ના રોજ બપોરે ૩:૩૦ કલાકે મારાં બહેન પરવીનબાબુ સજ્જાદહુસેન મલેકને(ઉં.વ.૨૮) પ્રસુતિની પીડા થતાં સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા પ્રસુતી કરાવવામાં આવી હતી. આ પ્રસુતિમાં મારાં બહેને દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પ્રસુતિ સમયે ડોક્ટરની બેદરકારીના કારણે મારાં બહેનની તબિયત લથડી ગઈ હતી. ડોક્ટર અબ્દુલરઉફ મેમણે મહિ‌લાને અન્યત્ર ખસેડવાના બદલે પોતાની હોસ્પિટલમાં સારવાર કરી હતી. આ સારવાર દરમિયાન બહેન પરવીનબાનુનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતાં ડોક્ટર વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.’

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 'ફરિયાદ બાદ મારાં બહેનનું પીએમ કરાવવા માટેની માગણી અમે કરી હતી. ગુરુવારે સવારે ફિણાવ ભાગોળ વિસ્તારમાં કલેસરિયા તળાવની બાજુમાં આવેલાં કબ્રસ્તાનમાંથી બહેનનાં મૃતદેહની દફનવિધિ કરાઈ હતી. ત્યાં પોલીસ સ્ટાફ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પંચો પહોંચી ગયા હતા. સતત વરસતાં વરસાદને કારણે સવારે ૯ કલાકે મૃતકની કબર પ્લાસ્ટિકનો ટેન્ટ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૧:૦૩ કલાકે મહુધાના ઇન્ચાર્જ મામલતદાર નિયતિ ઉત્સવ, સર્કલ ઓફિસર એચ.સી.દેસાઈ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.આર.ગોહિ‌લ તેમ જ મૃતકનાં પરિવારજનો ઉપરાંત અન્ય પ્રજાજનો પણ ઘટનાસ્થળે ઉમટી પડયાં હતાં. ૧૧:૦પ કલાકે પંચનામું કરવામાં આવ્યું હતું. ૧૧:૨૦ કલાક સુધી પંચનામું તૈયાર થઈ ગયું હતું. તમામ પંચો અને અધિકારીઓની હાજરીમાં બરાબર ૧૧:૧પ કલાકે કબર પરથી માટી હટાવવાની શરૂઆત કરાઈ હતી. ૧૧:૩પ કલાકે મૃતદેહને બહાર કાઢીને એક કોફિન(લાકડાંની પેટી)માં મૂકવામાં આવી હતી. આ મૃતદેહને મહુધા સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાના કારણે ભારે ઉત્તેજના ભર્યુ વાતાવરણ સર્જા‍યું હતું.’

માટીના નમૂના લેવાયાં

મહુધા સીએચસીના ડો.તૃપ્તિબહેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે 'પોસ્ટમાર્ટમ માટે મૃતદેહને બહાર કાઢી કોફિનમાં મૂકી દેવાયાં હતાં. તેમજ જે જગ્યાએ દફનવિધિ થઈ હતી તે જગ્યા અને તેની ૩ મીટરના અંતરમાં આવેલી માટી એમ બે જગ્યાએથી માટીના નમુના લેવાયાં હતાં. આ મૃતદેહને પીએમ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો છે.’

પંચોની હાજરીમાં મૃતદેહને બહાર કઢાયો

આ સંદર્ભે મહુધાના ઈન્ચાર્જ મામલતદાર નિયતિ ઉત્સવે જણાવ્યું હતું કે 'કબ્રસ્તાનમાં દફન કરેલાં મૃતદેહને પીએમ માટે બહાર કાઢતાં પહેલાં તેનુંપંચોની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું અને મૃતદેહને બહાર કાઢી એક કોફિનમાં મહુધા સીએચસીમાં મોકલી અપાયો હતો.'