મહુધા તાલુકામાં ૪૨ ગામડાં વચ્ચે માત્ર નવ જ તલાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલાટીના અભાવે ગ્રામજનોના અનેક કામો અટવાઇ પડયાં

મહુધા તાલુકામાં આવેલા ૪૨ ગામડાઓમાં માત્ર ૯ જ તલાટીઓ આવેલા છે. જેના કારણે અરજદારોને તેમજ કામ કરતાં તલાટીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તલાટીને ૪ થી પ ગામડાનો ચાર્જ અપાયો છે. આવી પરિસ્થિતિમાં તલાટીઓને કયા ગામમાં ફરજ બજાવવી તેના દિવસો પણ નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે જિલ્લાકક્ષાએથી આ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.

આ અંગેની વધુ માહિ‌તી જોવામાં આવે તો, ગ્રામ્યકક્ષાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી અને પ્રજાલક્ષી યોજનાને પહોંચાડવા માટે તલાટી એક અગત્યનું માધ્યમ છે. તલાટી આ યોજનાને ખેડૂત સુધી પહોંચાડે છે અને તેના લાભ કેવી રીતે મળે છે. તેની જાણકારી પણ પહોંચાડે છે. સાથે-સાથે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર માટે પણ તલાટી દ્વારા આપવામાં આવતા હોય છે પરંતુ મહુધા તાલુકામાં કુલ ૪૨ ગામડાઓ વચ્ચે માત્ર ૯ જ તલાટી ફરજ બજાવી રહ્યા છે.

જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ બીજો શનિવાર અને જાહેર રજા હોય છે ત્યારે તે ગામમાં તલાટીનો વારો એક અઠવાડિયા પછી આવતો હોય છે. આવી પરિસ્થિતિમાં ગ્રામજનોને તેમજ ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. જ્યારે તલાટીઓને પણ કામ કરવામાં ખૂબ જ અગવડતા પડે છે. કામનું ભારણ બમણાથી ત્રણ ગણું થઈ જાય છે.

આવા સંજોગોમાં નિવૃત થઈ ગયેલા તલાટીઓની મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જિલ્લાકક્ષાએથી અને રાજ્યકક્ષાએથી ખાલી તલાટીની જગ્યાની ભરતી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે. શું આ બાબતે ગ્રામજનોની મુશ્કેલીને દૂર કરવા માટે કોઈ નિર્ણય લેવાશે ખરો? કે પછી જેમ ચાલ્યું આવે છે તેમ જ ચાલ્યા કરશે?

રજૂઆત ઉચ્ચકક્ષાએ મોકલી અપાઈ છે
આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી વી.એ.પંડયાનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, તલાટીઓની ભરતી અંગનો નિર્ણય નિતીવિષયક બાબત છે. આ નિર્ણય રાજ્યસરકાર દ્વારા લેવામાં આવે છે. તાલુકામાં ખાલી જગ્યાઓની યાદી જિલ્લાકક્ષાએ મોકલી આપવામાં આવી છે. જ્યારે ભરતી થશે ત્યારે આ ખાલી જગ્યા પર તલાટીઓની નિમણુંક થશે. તેમ પણ તેઓએ ઉર્મેયુ હતું.