• Gujarati News
  • Oil Mill Raid In The Investigation Against The Police Command

ઓઇલ મિલમાં દરોડા મામલે પોલીસ સામે તપાસનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલસીબીના તત્કાલિન ૨ પોલીસ અધિકારી, ૨ હેડ કોન્સ્ટેબલ, ૪ પોલીસ સિપાઈ તેમ જ મહેમદાવાદના સિની. પોસઈ સામે ર્કોટ ફરિયાદ થઈ હતી : મહેમદાવાદ સીપીઆઈને તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો હુકમ

મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી પાસેની એક ખાનગી ઓઈલ મિલમાં ૨પમી ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ ખેડા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડયો હતો. જેના કારણે ઓઈલ મિલના માલિકને મસમોટી રકમનું નુકસાન થવા પામ્યુ હતુ. જે સંદર્ભે ઓઈલ મિલના માલિકે મહેમદાવાદની ર્કોટમાં ફરિયાદ દાખલ કરી ઓઈલ મિલમાં પોલીસ ટીમે ગેરકાયદે પ્રવેશ કરી બદઈરાદાથી દરોડો પાડયો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે મહેમદાવાદ ર્કોટના ન્યાયાધિશે એલસીબીના તત્કાલિન પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબ ઈન્સ્પેકટર, મહેમદાવાદના પોલીસ સબ ઈન્સ્પેકટર તેમ જ એલસીબીના ૨ હેડ કોન્સ્ટેબલ, ૪ પોલીસ કોન્સ્ટેબલ સહિ‌ત કુલ ૯ સામે કલમ ૧પ૬(૩) અન્વયે મહેમદાવાદ સીપીઆઇને તપાસ કરવાનો હુકમ ફરમાવ્યો છે. જેના પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ કેસ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મહેમદાવાદ - મહુધા રોડ પરના સોસાયટી વિસ્તારમાં રહેતા બાબુલાલ ખેમચંદ નાનકવાણી નેનપુર ચોકડી પાસે મહેરુપુરા વિસ્તારમાં ગુજરાત ફુડ પ્રોડકશન નામની ઓઈલ મિલ ચલાવે છે. તેઓ જુદાં જુદાં ખાદ્યતેલના પદાર્થો કંડલા, મુંદ્રા, ગોંડલ, રાજકોટ વગેરેથી ઓઈલ મેળવીને પેકેજિંગનો વ્યાપાર કરે છે. આ પેકેજિંગના સ્થળે તા.૨પ-૦૨-૨૦૧૩ના રોજ બપોરે ૩.૪પ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન મિલના ટીનીંગ પેકેજિંગ યુનિટમાં કોઈપણ પ્રકારની કાયદાકીય અધિકાર ન હોવા છતાં જિલ્લા એલસીબીના તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેકટર સહિ‌ત ૭ વ્યક્તિઓની ટીમે પ્રવેશ કર્યો હતો. તેમ જ યુનિટમાં પડેલ પેક થયેલ ટીનના ડબ્બામાંથી તેમ જ ઓઈલ ટેન્કમાંથી બળજબરીપૂર્વક ગેરકાયદે જુદાં જુદાં ખાદ્યતેલના સેમ્પલ તૈયાર કર્યા હતા.

તેની સાથે તે સેમ્પલનો નમૂનો ફરિયાદીને આપવામાં બદલે બીજા દિવસે ફરિયાદીના ઘેર મોકલી આપ્યો હતો. આ ઉપરાંત એક નમૂનો ર્કોટને મોકલવાના બદલે પંચો વિના ફરિયાદીને ખોટા અહેવાલો આપી ગેરમાર્ગે દોરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીની વિરુધ્ધમાં ગુના રજી. નં. ૧૩૦-૧૨ મુજબ ખોટી ફોજદારી કલમો લગાવી ફરિયાદ દાખલ કરી હતી. જેના કારણે ઓઈલ મિલના માલિકને અંદાજે ૧.૨પ કરોડ જેટલું નુકસાન થયું હતુ તેમ જ તે પછી પણ પોલીસ દ્વારા તેઓને પજવણી જારી રખાઈ હોવાનું ર્કોટ ફરિયાદમાં જણાવ્યુ હતુ.

ઓઈલ મિલમાં દરોડો પાડીને રંજાડવાની સાથે નુકસાનના ખાડામાં ધકેલવા મુદ્દે મહેમદાવાદ ર્કોટમાં બાબુભાઈ નાનકવાણીએ એલસીબીના તત્કાલિન પોઈ જે.એસ.ચાવડા, પોસઈ એલ.કે.પઠાણ, મહેમદાવાદ સિનીયર પોસઈ એ.ટી. પંચોલી, હેડ કોન્સ્ટેબલ સરફરાઝ હુસૈન, વિનોદચંદ્ર રણછોડભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિનોદ નામદેવ, ચંદ્રકાંત ગોવિંદભાઈ, વિપુલગીરી ઘનશ્યામગીરી, કનુભાઈ રાજાભાઈ સામે મહેમદાવાદ જ્યુ.મેજીસ્ટ્રેટની ર્કોટમાં ફરિયાદ નોંધવી હતી. એથી મહેમદાવાદ ર્કોટ મેજીસ્ટ્રેટે ગત ૨૬મી જૂને ઈપીકોની કલમ ૧૬૬, ૧૬૬ - એ, ૧૬૭, ૧૮૨, ૨૦૩, ૩૪૨, ૩૮૪, ૩૮૯, ૩૪૭, ૩પ૧, ૪૪૭, ૪પ૧, ૪૬૪,૪૬પ,૪૬૯, ૧૨૦-બી, ૧૧૪ મુજબના કોગ્નીઝેબલ ગુના અંગે પોલીસ તપાસ ન્યાયી અને જરૂરી જણાતી હોઈ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧પ૬(૩) અન્વયે મહેમદાવાદ સર્કલ પોલીસ ઈન્સ્પેકટરને ફરિયાદ અંગે તપાસ કરી દિન - ૬૦માં મહેમદાવાદની અદાલતમાં રિપોર્ટ વિકલ્પ ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.