રોગ પ્રતિકારક શકિત ધરાવતી દિવેલાની નવી જાતનું નિદર્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહોલડી ખાતે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
માતર તાલુકાના સિંહોલડી ગામે દિવેલા પાક અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી દ્વારા ક્ષેત્ર દિનની આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂત હરમાનભાઈના ખેતરે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રના ડો.મહેન્દ્રસિંહ ચાંદાવત, અરવિંદભાઈ પરમાર, ડો.ભૂપેન્દ્રસિંહ, મુકેશભાઈ ચૌધરી અને વિજેન્દ્ર બાવીસ્કર હાજર રહ્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સિંહોલડી ગામમાં ચોમાસુ મોસમ દરમિયાન દિવેલા પાક અન્વયે સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિ‌ટી દાંતીવાડા દ્વારા બહાર પાડેલ સુકારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી દિવેલાની જાત ગુજરાત સંકર દિવેલા - ૭ના અગ્રહરોળ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ એ હતો કે આ વિસ્તારમાં વવાતા દિવેલામાં સુકારાનો રોગ વધુ જોવા મળે છે અને પરિણામે ઉત્પાદન ઓછું આવે છે. જેના એક ઉકેલ તરીકે આ વિસ્તારમાં દિવેલા પાકનું વાવેતર કરતા ખેડૂતો નવિનતમ જાતથી માહિ‌તગાર થાય અને દિવેલાની જાત આ વિસ્તાર માટે અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કરવાનો હતો.
ડો.મહેન્દ્રસિંહ ચાંદાવતે ખેડૂતોને જણાવ્યું હતું કે કોઈપણ પાકમાં ઉત્પાદનનો મુખ્ય આધાર વાવેતર માટે વપરાયેલ બિયારણ અને તેની જાતો પર રહેલો છે. ચોમાસુ દિવેલાની સફળ ખેતી માટે પણ જે તે વિસ્તારની જમીન, પિયતની સગવડ અને આબોહવાને અનુકૂળ જાતની પસંદગી એ એક મહત્વનો ભાગ ભજવે છે. ખેડૂતો દ્વારા અપૂરતી માહિ‌તીના કારણે અયોગ્ય જાતની પસંદગી કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને દર વર્ષે ઘણું નુકશાન ભોગવવું પડે છે. આ માટે ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુદા જુદા ખેતીલક્ષી કેન્દ્રોના સંપર્કમાં રહી પાકની વિવિધ જાતોની માહિ‌તી લઈને ભલામણ મુજબ ખેતી કરવી જોઈએ.