સૂર્યનગરી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ આપવામાં ઉપેક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન યુવક મંડળની રજૂઆત બાદ પણ સ્થિતિ યથાવત

અમદાવાદ - મુંબઈ રેલવે લાઈન પરનાં ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના રેલવે જંકશન પર સુર્યનગરી એક્સપ્રેસ(બાન્દ્રા - જોધપુર - બાન્દ્રા) અને દાદર - બીકાનેર ટ્રેનને સ્ટોપજ આપવા ચરોતરનાં મુસાફરો દ્વારા રેલવેના તંત્રવાહકો સમક્ષ પુન: રજૂઆત કરવામાં આવી છે.

સદર બંને ટ્રેનનાં સ્ટોપેજના અભાવે વેકેશન ટાણે તેમ જ અન્ય વારતહેવારે ચરોતરમાં મોટીસંખ્યામાં વસવાટ કરતાં નાગરિકોને રાજસ્થાન જવા - આવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંને ટ્રેનની મુસાફરી કરવા માટે મુસાફરોને અમદાવાદ જવામાં સરસામાનની હેરાફેરી કરવામાં સમય તેમ જ નાણાંનો વ્યય થતો હોય છે.

આ અંગે રાજસ્થાન નવયુવક મિત્ર મંડળ - નડિયાદના સુત્રોએ વધુમાં જણાવ્યા મુજબ નડિયાદથી જોધપુર, રામદેવરા જવા માટે અતિ ઉત્તમ તેમ જ દૈનિક દોડતી સુર્યનગરી ટ્રેન તેમ જ ભીલડી, ભીનમાલ, જાલોર, સમદડી તરફ જનાર એકમાત્ર એવી દાદર - બીકાનેર ટ્રેનને તાકીદના ધોરણે નડિયાદનું સ્ટોપેજ મળે તે માટે ખેડા જિલ્લાના સાંસદ તેમ જ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ તેમ જ રેલવે મંત્રાલયનાં લાગતાવળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં પુન: રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત માર્ચ માસમાં પણ રાજસ્થાન નવયુવક મિત્ર મંડળની રજૂઆતના પગલે જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ રેલવેનાં મંત્રીને પત્ર પણ પાઠવ્યો હતો. નડિયાદમાં પ્રજાપતિ સમાજ, પુરોહિ‌ત સમાજ, સરગરા સમાજ સહિ‌ત અન્ય સમાજના થઈ અંદાજે ૩૦ હજારથી પણ વધુ રાજસ્થાનવાસીઓ સ્થાયી થયેલાં છે. સદર બંને ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ આપવામાં માટે વિતેલાં પ વર્ષથી સતત રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે તંત્રે આણંદને સ્ટોપેજ આપ્યાં બાદ નડિયાદ રેલવે જંકશનને સ્ટોપેજ આપવામાં ઉપેક્ષા સેવતા નડિયાદ સહિ‌ત જિલ્લામાં વસવાટ કરતા રાજસ્થાનવાસીઓમાં નારાજગીની લાગણી પ્રસરી છે.