વાત્રકમાં ડૂબી જવાથી માતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-લાકડા વીણવા ગયેલ રઢુની મા-દીકરીનું વાત્રક નદીના વહેરામાં ડૂબ્યાં
-તરવૈયાઓએ ભારે શોધખોળ બાદ માતા-પુત્રીની લાશને શોધી

ખેડા તાલુકાના રઢુ ઈન્દિરાનગરીમાં રહેતાં મા-દીકરીનું બુધવારે વાત્રક નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. રઢુમાં રહેતા યાકુબભાઈ જમાલભાઈ વ્હોરાના બે બાળકો શાળામાં વેકેશન હોવાથી પોતાના સબંધીને ત્યાં અડાસ (જિ.આણંદ) ખાતે રહેવા ગયા હતા. જે બાળકોને લેવા માટે બુધવારે સવારે યાકુબભાઈ અડાસ જવા નીકળ્યા હતા. તેઓને તેમની પત્ની અનિશાબેને (ઉં.વ.૨૨) જણાવ્યુ હતું કે, તમો બાળકો લેવા જાવ અને હું તથા મોટી દિકરી સીફાબાનુ (ઉં.વ.૧૩) સીમમાં લાકડા વીણવા જઈશું. તેમ કહી દિકરી સીફાબાનુ સાથે ગામની સીમમાં લાકડા વીણવા ગયા હતા.

દરમિયાન દીકરી સીફાબાનુને તરસ લાગતાં તે વહેરામાં પાણી પીવા માટે ગઈ હતી. તે વખતે પગ લપસતાં તે ધરામાં ડૂબવા લાગી હતી. જેથી દિકરીને બચાવવા અનિશાબેન પણ કુદી પડતાં બંન્ને મા-દિકરી પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ ખેડા પોલીસ મથકે થતાં એ.એસ.આઈ ફુલાભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ બાદ મા-દિકરીની લાશોને પાણીમાંથી બહાર કાઢી હતી. આ બનાવથી ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. આ સંદર્ભે પોલીસે આ સંદર્ભે ખેડા શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સીફાબાનુ ધો.૭માં અભ્યાસ કરતી હતી
માતા સાથે લાકડા વીણવા ગયેલ સીફાબાનુ (ઉં.વ.૧૩) રઢુની પ્રાથમિક શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી. બુધવારે સવારે લાકડા વીણવા ગયેલ સીફાબાનુને તરસ લાગતાં વાત્રક નદીના વહેરામાં પાણી પીવા ગઈ હતી. જ્યાં તેણીનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજયુ હતું.

યાકુબભાઈ ઘરજમાઈ તરીકે રહેતા હતા
અડાસના યાકુબભાઈ જમાલભાઈ વોરાના લગ્ન રઢુ (તા.ખેડા) ખાતે રહેતા અનીશાબેન સાથે થયા હતા. યાકુબભાઈ છેલ્લા ૭ વર્ષથી સાસરીમાં ઘરજમાઈ તરીકે રહેતા હતા.તેઓ છુટક મજુરી કરી કુટુંબનું ભરણપોષણ કરતા હતા.