• Gujarati News
  • Kheda Jilla Panchyat President Called By Development Comissioner For Anti Party Activity

ખેડા જિ. પંચાયતના પ્રમુખને વિકાસ કમિશનરનું તેડું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ અંગે થયેલી ફરિયાદની સુનાવણી માટે કોંગ્રેસ બળવાખોર પ્રમુખને હાજર રહેવા ફરમાન

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખને ૧૪ મેના રોજ ગાંધીનગર વિકાસ કમિશનર કચેરીએ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. વડથલ બેઠક ઉપર કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાઈ આવ્યાં બાદ ભાજપમાં બેસી ગયાં હોવાથી પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવા સંદર્ભે કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા પક્ષાંતર ધારા મુજબ વિકાસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેની સુનાવણી ૧૪મીના રોજ હાથ ધરાશે.

ખેડા જિલ્લા પંચાયતમાં ૧૪મી માર્ચના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ સમયે વડથલ બેઠક ઉપર કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાઈ આવેલાં જયંતિભાઈ અંદરસિંહ સોઢાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો અને પ્રમુખપદ મેળવી લીધું હતું.

કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને વિરોધપક્ષ સાથે બેસીને પક્ષને નુકશાન પહોંચાડનારું હોવાની ફરિયાદ કરતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા ખેડા જિલ્લા પંચાયતના સદસ્ય ભારતસિંહ પરમારે (રહે.ફતેપુર) ગુજરાત પક્ષાંતર ધારા ૧૯૮૬ની કલમ-૩ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પરમારને ગેરલાયક ઠેરવવા અને તેઓની સાથે કાયદેસરના પગલાં ભરવા માટે ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારી તથા વિકાસ કમિશનરને રજુઆત કરી હતી. આ ફરિયાદના આધારે જિલ્લા પંચાયત પ્રમુખ જયંતિભાઈ સોઢાને ૧૪ મેના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે વિકાસ કમિશનરની કચેરી ખાતે હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે.

હા, નોટિસ મળી છે, જવાબ આપશું: જયંતિભાઈ સોઢા
આ સંદર્ભે જિલ્લા પંચાયતના પ્રમુખ જયંતિભાઈ સોઢાનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘વિકાસ કમિશનર દ્વારા ૧૪મીએ હાજર થવાની નોટિસ મી છે. આ અંગે હાજર રહીને જરૂરી જવાબ આપીશું.’