ખેડા પાલિકાના વિપક્ષી સભ્યોની કલેક્ટર સમક્ષ ધા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધપક્ષે સત્તાપક્ષના સભ્યો તેમ જ પાલિકા ચીફ ઓફિસરની કામગીરી સંદર્ભે વિરોધ વ્યકત કર્યો હતો. આઠ સભ્યો નગરપાલિકાના સભાખંડમાં બે દિવસ સુધી રોકાઈ રહ્યા હતા. પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા મનાવી લેવામાં આવતાં સમાધાન થયું હોય તેવો માહોલ સર્જા‍યો હતો. જોકે, બે દિવસ બાદ વિરોધપક્ષના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સામાન્ય સભાની કાર્યવાહીને રદ્દ કરવામાં આવે તેવી માગણી કરી છે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં જયેશભાઈ ભટ્ટ સહિ‌ત અન્ય સાત સભ્યોએ જણાવ્યું હતું કે 'ખેડા નગરપાલિકાની ગત ૧૧મી માર્ચના રોજ મળેલી સામાન્ય સભામાં મનસ્વી રીતે સત્તાપક્ષ દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાથે - સાથે વધારાંના પાંચ એજન્ડા રજૂ થયાં હતાં. જેની વિગતવાર કે વિવરણની છણાવટ કરવામાં આવી નોહતી. આ અંગે માહિ‌તી માગતા ચીફ ઓફિસરે પણ તે માહિ‌તી આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી સામાન્ય સભામાં વિવાદ થયો હતો. સામાન્ય સભામાં અન્ય ૪૮ કામોને પણ વંચાણે લેવામાં આવ્યા નોહતા. તેમજ કોઈ વિરોધ પણ મિનિટ્સ બુકમાં નોંધાયો નહતો.

સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી સંદર્ભે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો અને આઠ સભ્યોએ નગરપાલિકા સભાખંડમાં જ રોકાઈ ગયા હતા. ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ સભાખંડમાંથી ઊઠવાના નથી, તેવું નક્કી કર્યુ હતું. ગત ૧૧મીની રાત અને ૧૨મીની સાંજે પાંચ વાગ્યે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમજાવટ કરતાં સમાધાન થયું હતું.’ જોકે, બે દિવસ બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવતાં ફરી અચરજ છવાયું છે.