તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • In The Case Of Two And A Half Years Imprisonment For Robbery

ત્રાજ ગામ પાસેના લૂંટ કેસમાં બે ઈસમને અઢી વર્ષની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ ૨૦૧૦માં ગામ નજીકના મંદિર પાસે ૨ મહિ‌લાના દાગીના તેમ જ રોકડ રકમ લૂંટી હતી: માતર ર્કોટે સરકારી વકીલની દલીલો ને પુરાવા ગ્રાહ્ય રાખીને તારાપુર અને વડોદરાના ઈસમને સજા ફટકારી

માતર તાલુકાના ત્રાજ ગામ પાસે બહુચર માતાજી મંદિરના પાટીયા પાસે વર્ષ ૨૦૧૦માં ૨ મહિ‌લાનાં સોનાના દાગીના તથા રોકડ મળીને કુલ રૂ. ૪૭ હજારની લૂંટ કરનારાં બે આરોપીને માતરની ર્કોટે અઢી વર્ષ કેદની સજા ફટકારી હતી.

ત્રાજ ગામની સીમના ચરામાં રહેતાં ડાહીબહેન ભરતભાઇ ભરવાડ અને ગંગાબહેન રતાભાઇ ભરવાડ ૨૮ નવેમ્બર, ૨૦૧૦ના રોજ અવલીયા ગામે લગ્નમાં ગયાં હતાં. આ લગ્ન પ્રસંગ પતાવીને સાંજે તારાપુર ચોકડીથી રિક્ષામાં બેસીને પરત ત્રાજ ગામે આવવા નીકળ્યાં હતાં. બહુચરમાના પાટીયા પાસે રાત્રિના ૮ વાગ્યે રિક્ષામાંથી ઊતરીને ડાહીબહેન અને ગંગાબહેન ચાલીને પોતાનાં ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં અજાણ્યાં બે બાઇક સવારો આવીને ડાહીબહેન અને ગંગાબહેનને ધક્કો મારીને નીચે પાડી દઇને બંને મહિ‌લાઓએ પહેરેલાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ રૂ. ૪૭ હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયાં હતાં. આ બનાવ સંદર્ભે ડાહીબહેન ભરવાડની ફરિયાદના આધારે માતર પોલીસે બે ઇસમ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો હતો.

આ કેસના બંને આરોપી ચિન્ટુ ધમુ ચુનારા (રહે.તારાપુર) લાલજી વાલજી ચુનારા(રહે. વડોદરા)ની ખેડા એલસીબીએ ધરપકડ કરી તેઓની વિરુદ્ધ ચાર્જશીટ બનાવી માતરની ર્કોટમાં દાખલ કરી હતી. આ કેસની સુનાવણી માતરની ર્કોટમાં હાથ ધરાતાં સરકારી વકીલ કે.પી.પાઠકની દલીલો તથા પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યાં બાદ ન્યાયાધીશ એમ.આર. નાદપરાએ આરોપી ચીન્ટુ ધમુભાઇ ચુનારા અને લાલજી વાલજીભાઇ ચુનારાને ઇપીકો કલમ ૩૯૨ મુજબ કસૂરવાર ઠેરાવીને અઢી વર્ષની કેદની સજા અને પ્રત્યેકને બે - બે હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.