તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર ટીમને 10 કિમી માટે 40 કિમીનો ફેરો કરવો પડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદી માહોલમાં મોડીરાતે આગ લાગતાં દોડધામ: કપડવંજ પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરાઈ

કપડવંજ નગર તેમ જ તાલુકાના ગ્રામ્યમાં ભારે વરસાદ બાદ સંગમ નદીના બેસી ગયેલાં ડાઈવર્ઝને કેવી મુશ્કેલી સર્જી છે. તેનો વરવો અનુભવ ગુરૂવારે મોડી રાત્રિના સુમારે જ થવા પામ્યો હતો. જેમાં કપડવંજથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલા કરકરીઆ ગામે મોડી રાત્રીના સુમારે ૩ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, પરંતુ વર્ષાની હેલીમાં સંગમનું ડાઈવર્ઝન તણાઈ ગયું હોઈ કપડવંજના ફાયરબ્રિગેડના લાશ્કરોને ૧૦ મિનિટમાં પહોંચી શકાય તેવા ગામે પહોંચવા માટે ૪૦ કિલોમીટરનો ફેરો કરીને પહોંચવું પડયું હતુ.

કરકરીઆ ગામમાં એક મકાનમાં ગુરૂવારે રાત્રિના ૧.૩૦ના સુમારે આગ લાગી હતી. તેમાંય મકાનમાં પૂળાનો જથ્થો ભરેલો હોઈ આગની જ્વાળાઓ તુરત જ વિકટ બની હતી. મકાનમાં આગ ભભૂકી હોઈ આસપાસના રહીશોએ તુરત જ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ અગનજ્વાળાઓએ પડોશમાં આવેલા બે મકાનને પણ લપેટમાં લેતાં કપડવંજ તેમ જ દહેગામ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

સંગમ નદીમાં તૈનાત ડાઈવર્ઝન રસ્તો તણાઈ ગયો હોઈ કપડવંજ તેમ જ દહેગામના ફાયરબ્રિગેડના લાશ્કરોને વાયા અનારા તેમ જ કઠલાલ થઈને કરકરીઆ ખાતે પહોંચી ફાયરના લાશ્કરોએ સવારે ૬ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કરકરીઆના પટેલ ફળિયામાં રહેતાં પુનમભાઈ મણિભાઈ પટેલ, ભીખાભાઈ શાંતિલાલ પટેલ તેમ જ જયંતિભાઈ મગનભાઈ પટેલના મકાનમાં મોડી રાતે લાગેલી આગમાં ઘરવખરી તેમ જ પૂળા સહિ‌તનો જથ્થો ખાક થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યુ હતું.

ત્રણેય મકાનમાં ઘરવખરી ને પુળા ખાખ

કરકરીઆના ગ્રામજનો મોડી સાંજે વરસાદના વિરામ બાદ રાહતની શ્વાસ લીધો હતો. ત્યારે રાત્રિના ૧.૩૦ કલાકના સુમારે પટેલ ફળિયામાં એક મકાનમાં લાગેલી આગ અન્ય બે મકાનને પણ લપેટમાં લઈ લીધા હતા. ત્રણેય મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવા ગ્રામજનો પણ ભારે પરિશ્રમ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં ન આવતા કપડવંજ તેમ જ દહેગામના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પરંતુ સંગમનું ડાઈવર્ઝન તણાઈ ગયુ હોઈ ફાયરના લાશ્કરોને આવવા માટે અન્ય માર્ગોની મદદ લેવી પડી હતી. - મુકેશભાઈ પટેલ, સરપંચ, કરકરીઆ ગ્રામ પંચાયત.