તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાગવેલના શ્રી ભાથીજી મંદિરે ભાતીગળ લોકમેળો ભરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નૂતન વર્ષ ટાણે ભરાતાં મેળામાં ઉમટશે માનવ મહેરામણ : કેટલાક રસ્તાઓ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયા

કઠલાલ તાલુકાના ફાગવેલ ગામે આવેલ સુપ્રસિધ્ધ શ્રી ભાથીજી મંદિરે દિવાળી તેમ જ બેસતાં વર્ષનાં પાવન પર્વ દરમિયાન ધાર્મિ‌ક લોકમેળો ભરાશે. જેમાં ચરોતર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. જેનાં પગલે મેળાના સમયગાળા દરમિયાન કેટલાક રસ્તાઓને તંત્ર દ્વારા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયા છે.

ફાગવેલ ગામે દિવાળી પર્વને અનુલક્ષીને ૩જી નવેમ્બરથી આગામી ૧૪મી નવેમ્બર દરમિયાન ધાર્મિ‌ક લોકમેળાની રંગત જામશે. તેમ જ ફાગવેલ ગામ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે ઉપર આવે છે. તેમ જ હાલમાં આ રોડ પર ફોરલેનની કામગીરી જારી છે. આ મેળામાં આસપાસના જિલ્લાઓમાંથી મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ નાના મોટા વાહનો મારફતે આવતા હોય છે.

જેનાથી આ મેળા દરમિયાન સદર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જા‍ય અને શ્રધ્ધાળુઓ શાંતિથી દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે આ માર્ગ પર ટ્રાફિક નિયમનની આવશ્યકતા હોવાથી જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લાને મળેલ સત્તાની રૂઈએ તા.૩-૧૧-૧૩થી તા.૧૪-૧૧-૧૩ દરમિયાન કેટલાક રસ્તાઓ વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે. તે મુજબ લાડવેલ ચોકડીથી ફાગવેલ થઈ બાલાસિનોર તરફ જતો તમામ વાહનવ્યવહાર, બાલાસિનોર ટી પોઈન્ટથી ફાગવેલ થઈ લાડવેલ ચોકડી તરફ જતો તમામ વાહનવ્યવહાર તેમ જ સેવાલિયા ટી પોઈન્ટથી બાલાસિનોર ટી પોઈન્ટ, ફાગવેલ થઈ લાડવેલ થઈ લાડવેલ ચોકડી તરફ જતો તમામ વાહનવ્યવહાર ઉક્ત સમયગાળા માટે પ્રતિબંધિત કરાયો છે.

સદર જાહેર માર્ગો ઉપરનો વાહન વ્યવહાર બંધ થતા આ વાહનવ્યવહારને પસાર થવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. જે મુજબ લાડવેલ ચોકડીથી ફાગવેલ થઈ બાલાસિનોર તરફ જતો વાહનવ્યવહાર લાડવેલ ચોકડી થઈ ડાકોર ચોકડી થઈ આગળ જશે, બાલાસિનોર ટી પોઈન્ટથી ફાગવેલ થઈ લાડવેલ ચોકડી તરફ જતો વાહનવ્યવહાર બાલાસિનોર ટી પોઈન્ટથી સેવાલિયા થઈ આગળ જશે. તેમ જ સેવાલિયા ટી પોઈન્ટથી બાલાસિનોર ટી પોઈન્ટ, ફાગવેલ થઈ લાડવેલ ચોકડી તરફ જતો વાહનવ્યવહાર સેવાલિયા ટી પોઈન્ટથી ઠાસરા, ડાકોર થઈ આગળ જશે. મેળાના સમયગાળા માટે જારી કરાયેલા હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટની એક યાદીમાં વધુમાં જણાવાયું છે.