ઉત્તરસંડામાં પાણીની લાઇનમાં લીકેજથી રોગચાળાએ દેખા દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોસાયટી વિસ્તારમાં કમળાના દર્દી મળતા ફફડાટ : ૩૭ કેસ મળતાં તંત્રની દોડધામ

નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામમાં પાણીજન્ય રોગચાળાએ દેખા દીધા હતા. દૂષિત પાણી પીવાના કારણે ૩૭ જેટલા વ્યકિતઓ કમળાના રોગચાળાના ભરડામાં સપડાયા હતા. જેમાં ૧૬ મહિ‌લા અને ૨૧ પુરૂષનો સમાવેશ થાય છે. આ રોગચાળો વકરે નહીં તે માટે જિલ્લા આરોગ્યની આઠ ટીમ દ્વારા સર્વે કરીને ક્લોરીનેશનની ટેબલેટ તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉતરસંડા ગામમાં કમળાના રોગચાળાએ માથુ ઉચક્યુ છે. ગામના અંબિકાનગર, કુબેરનગર અને શ્રીજી નગર હોસ્પિટલ પાછળ રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની લીકેજ થયેલી પાઈપલાઈન સમારકામના અભાવે આ દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગચાળાએ દેખાદીધા છે.

દૂષિત પાણી પીવાથી આ વિસ્તારમાં ૩૭ જેટલા વ્યકિતઓ કમળાના રોગચાળામાં સપડાયા છે. આ રોગચાળા અંગેની જાણઆરોગ્ય વિભાગને થતાં આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ઉતરી પડી હતી. લીકેજ થયેલી પાણીની પાઈપલાઈન સમારકામ માટે ગ્રામપંચાયતને નોટિસ આપીને તાત્કાલિક પાઈપલાઈન રીપેરીંગ કરવાની સુચના આપી હતી. આ વિસ્તારમાં નવ જેટલા પાણીના લીકેજ હતા. આ રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગની આઠ ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે કરીને ક્લોરીન ટેબલેટો તથા કમળાના ભોગ બનેલા દર્દીઓને જરૂરી દવાઓ વિતરણ કરવામાં આવ્યુ હતું.

-ગામના ૧૨પ૦ ઘરમાં આરોગ્ય તંત્રનો સર્વે
આ સંદર્ભે આરોગ્ય વિભાગના સુપરવાઈઝર રાકેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે 'ઉતરસંડા અંબિકાનગર સહિ‌ત વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે ૧૦ દિવસ ઉપરાંતથી કમળાના રોગચાળાએ દેખા દીધા હતા. ૩૭ જેટલા કમળાના દર્દીઓ મળી આવ્યા હતા. આ રોગચાળો વકરે નહીં તે માટે ૧૨પ૦ ઘરોનું સર્વે કરીને ૩૮પ૦૦ ક્લોરીન ટેબલેટ તથા ૧પ૦ કિલો ક્લોરીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ગ્રામજનોએ પાણીને ઉકાળીને પીવું અને ક્લોરીનવાળું પાણી પીવાનો આગ્રહ રાખવો તેમ જ ખુલ્લા અને વાસી ખોરાક ખાવો નહીં તેમ જ બરફવાળો શેરડીનો રસ પણ પીવો ન જોઈએ.’

-પાણીની લાઈનમાં લીકેજનું સમારકામ કરી દેવાયુ
આ સંદર્ભે ઉત્તરસંડાના સરપંચ અનિલભાઈ પટેલનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે 'ગામના જે વિસ્તારમા પાણીની પાઈપલાઈન લીકેજ હતી. તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. ગામમાં પાણીપુરી, શેરડી રસના કોલા તથા અન્ય ખાણી-પીણીની લારીઓવાળાઓને નોટિસો આપીને બંધ કરવા અંગેની સુચનાઓ પણ આપી દેવામાં આવી હતી. ગામમાં ૧૦ જેટલી ખાણી-પીણીની લારીઓ બંધ કરી દેવામાં આવી છે.’