બેવડી ઋતુથી વાયરલ બીમારીએ માથું ઉંચક્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદના વિરામથી વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાની ભીતિ

વરસાદના વિરામ બાદ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. બપોરે ઉનાળા જેવી ગરમી અને રાત્રિએ ઠંડક થઇ જતાં ખેડા જિલ્લાવાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. ખેડા જિલ્લામાં બેવડી ઋતુના કારણે મચ્છરોના ઉપદ્રવથી તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ફીવર કેસ બની રહ્યા છે. નડિયાદની સિવિલ હોસ્પિટલમાં રોજ તાવ શરદી જેવી બીમારીના પ૦ ઉપરાંત કેસ આવે છે. ખાનગી દવાખાનામાં પણ વાયરલ ફીવરનાં કેસ ઉભરાવવા માંડયાં છે.

છેલ્લા એક સપ્તાહથી વરસાદના વિરામ બાદ ખેડા જિલ્લાવાસી સવારથી જ બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા છે. બપોરે ઉનાળા જેવી ગરમી લાગે છે, જેથી ઘર તથા ઓફિસોમાં પંખા, એસી વિના રહેવાય નહીં તેવી સ્થિતિ સર્જા‍ઇ છે. જિલ્લામાં બપારે ગરમી અને મોડીરાત્રે ઠંડક પ્રસરી જાય છે. વહેલી પરોઢે ઠંડી અનુભવાય છે. બેવડી ઋતુના વાતાવરણના પગલે જિલ્લાવાસીઓ શરદી, ઉધરસ તાવ જેવી બીમારીઓમાં સપડાવવા માંડયાં છે. નડિયાદ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાં મુજબ, બેવડી ઋતુના કારણે રોજ તાવ, શરદી, ઉધરસનાં ૧પ૦ ઉપરાંત કેસ આવે છે. આ ઉપરાંત નડિયાદ શહેરના ખાનગી દવાખાનામાં પણ વાયરલ ફીવરના કેસ નોંધાઈ રહ્યાં છે. મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ થઇ ગયો છે.

આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે

આ સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેવડી ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ દેખાઈ રહ્યાં છે. આ રોગચાળો વકરે નહીં તે માટે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી ચાલી રહે છે. આવી ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓથી બચવા માટે પ્રજાજનોએ મચ્છરદાનીમાં સુવું જાઇએ, ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી, પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું જોઇએ.