તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોરના રાજાધિરાજા રણછોડરાય રાસબિહારીનું સ્વરૂપ ધારણ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- ડાકોરના રાજાધિરાજા રણછોડરાય રાસબિહારીનું સ્વરૂપ ધારણ કરશે
- યાત્રાધામ ડાકોરમાં શરદોત્સવ ધામધૂમથી ઉજવાશે
- ઉત્થાપન આરતી બાદ પદ્ય, ગદા, ચક્ર, શંખ સાથે ચાંદીના દાંડિયા અપાશે
નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં મંગળવારે શરદોત્સવ (રાસોત્સવ) પર્વ ધામધૂમથી ઉજવાશે. આ પર્વ પ્રસંગે રાજાધિરાજા શ્રી રણછોડરાય રાસબિહારીનું સ્વરૂપ ધારણ કરશે. ભગવાન વૃંદાવનમાં ગોપી સાથે રાસ રમી રહ્યા હોય તેવા ભાવપૂર્વકના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ડાકોર શ્રી રણછોડરાય મંદિરમાં મંગળવારે શરદપૂર્ણિમા પર્વ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાશે.

આ પર્વ નિમિત્તે સવારે 5:15 કલાકે મંગળાઆરતી થશે. ત્યારબાદ રાજાધિરાજા શ્રી રણછોડરાય ભગવાનને વિશેષ વાઘા, આભૂષણો અને રત્નજડિત સુવર્ણ મોટો મુગટ પહેરાવવામાં આવશે. સવારે 8 કલાકે ભગવાનની ચાંદીના થાળમાં મહાઆરતી ઊતારવામાં આવશે અને બપોરે 2 કલાક સુધી દર્શન ખુલ્લાં રહેશે. સાંજે 6 કલાકે મંદિરમાં ઉત્થાપન આરતી બાદ ભગવાન શ્રીજી મહારાજને વિશેષ વાઘા, આભૂષણો તથા ચક્ર, શંખ, પદ્ય, ગદા સાથે ચાંદીના દાંડિયા અર્પણ કરાશે. ભગવાન રાસબિહારીનું સ્વરૂપ ધારણ કરશે.
ભગવાન વૃંદાવનમાં યમુના નદીના તટ પર ગોપીઓ સાથે રાસલીલા રમી રહ્યા હોય તેવી ભાવના સાથેના દિવ્ય દર્શનનો લાભ થશે. આ ઉત્સવ નિમિત્તે દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલીઓે ન પડે તેવી મંદિર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમ મંદિરના મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ઠાકોરજીને આજે સવા લાખનો મુગટ ધરાવાશે
યાત્રાધામ ડાકોરમાં મંગળવારે શરદપૂર્ણીમાંનો ઉત્સવ ધામધુમથી ઉજવાશે. આ દિવ્ય પ્રસંગે રાજાધિરાજા રણછોડરાયને સવાલાખનો મોટો મુગટ ધરાવવામાં આવશે. રાત્રે ભગવાનને દૂધ-પૌઆનો ભોગ ધરાવવામાં આવશે. આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડશે. ભક્તજનોને દર્શન માટે મુશ્કેલી ન પડે તે માટે મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દર્શનના સમયમાં વધારો કરાયો છે.

આ સંદર્ભે ડાકોર મંદિરના મેનેજર રવિન્દ્રભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘સંવત 2070ના આસોસુદ પુનમ (રાસોત્સવ) 7 ઓક્ટોબરના અને મંગળવારના રોજ પુનમના દિવસે ડાકોર રણછોડરાય મંદિરના દર્શનનો સમય સેવક આગેવાનોભાઇઓ તથા મંદિર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. વહેલી સવારે પાંચ કલાકે નીજ મંદિર ખુલશે, 5:15 કલાકે મંગળા આરતી થશે. 7:30 કલાક સુધી દર્શન ખુલ્લાં રહેશે. 7:30થી 8 વાગ્યા સુધી શ્રીજીમહારાજ ટેરામાં ત્રણેય ભોગ બાલભોગ, શણગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે.

આ સમયે દર્શન બંધ રહેશે. ત્યારબાદ 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. બપોરે 2થી 3 કલાક સુધી ભગવાન રાજભોગ અને મહાભોગ આરોગશે. આ સમયે દર્શન બંધ રહેશે. દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ પણ બંધ રહેશે. ત્યારબાદ બપોરે 3થી 5 વાગ્યા સુધી સતત દર્શન ખુલ્લાં રહેશે. સાંજે 5થી 6 કલાક દરમિયાન દર્શન બંધ રહેશે. મંદિર પ્રવેશ પણ બંધ રહેશે.

સાંજે 6 કલાકે ઉત્થાપન આરતી થશે. ત્યારબાદ નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગીને શ્રીજી મહારાજ પોઢી જશે. આ પૂર્ણિમાના દિવસે બપોરે 3 વાગ્યા સુધી પરિક્રમા બંધ રાખવામાં આવી છે.