નડિયાદ: હિંસક પાડો આખરે સ્થાનિક પ્રજાજનોએ પાંજરે પૂર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાડાને જીસીબીએ ઉંચો કર્યો તે તસવીર

પાડાએ એક વ્યક્તિને શીંગડે ચઢાવી રહેંસી નાખી મોત નીપજાવતાં ગ્રામજનો ફફડી ઉઠયાં હતાં

નડિયાદ: નડિયાદનાં ઉતરસંડા ગામે પંદર દિવસથી હિંસક બનેલાં પાડાને સ્થાનિક પ્રજાજનોએ પશુ ડોક્ટરની મદદથી ઝડપી પાડયો હતો. પાડાને ઘેનનું ઇન્જેકશન આપી ક્રેઈન મારફતે ઉંચકી અમદાવાદની પાંજરાપોળમાં મોકલી આપતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગેની વધુ માહિ‌તી આપતાં ગામના સરપંચ લક્ષ્મણભાઈ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા ૧પ દિવસથી ઉતરસંડા સીમ વિસ્તાર અને ગામમાં એક આતંકી પાડાએ ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ પાડાએ એક વ્યક્તિને શીંગડે ચઢાવી રહેંસી નાખ્યો હતો અને તેનું મોત નીપજાવ્યું હતું.

છેલ્લા અઠવાડિયાથી ગામમાં આવેલા કોઈપણ ઘરમાં તે ઘૂસી જઈ તોડફોડ કરતો હતો. જેના કારણે પ્રજાજનોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી અને નાના બાળકો તથા વૃદ્ધો તો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. તેમજ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ રાખતા હતા. પાડાનો આતંક ખુબ જ વધી જવાના કારણે સ્થાનિક પ્રજાજનોએ ભેગા મળી ડુમરાલ પશુ ચિકિત્સાલયના તબીબનો સંપર્ક કર્યો હતો. તેમણે આ પાડાને કેવી રીતે પકડી શકાય તે માટેની સમજ આપી હતી.
જેથી પાડો બુધવારે ફુલેશ્વર માતાના મંદિર પાસે બેઠો હતો ત્યારે તેને દાણ નાખી ખવડાવવામાં આવ્યું હતું. તે સમયે જ તેને ઘેનનું ઇન્જેકશન મુકીને બેભાન કરી દેવામાં આવ્યો હતો. આ પાડો એટલો મોટો હતો કે તેને ઉંચકીને વાહનમાં મુકવા માટે ક્રેઇન મગાવવી પડી હતી. પાડાને અમદાવાદની ડાભોલ ગામની પાંજરાપોળમાં મોકલી અપાયો હતો.