નડિયાદ શહેરમાં બારકોડેડના અનેક 'કોડ’ અધૂરાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નડિયાદ શહેરમાં બારકોડેડ રેશનકાર્ડમાં વ્યાપક છબરડાં: પ્રજા પરેશાન, તંત્ર હેરાન
- જૂનાં રેશનકાર્ડમાં જે સંખ્યામાં નામો હતાં તેમાંય બાદબાકી થઈ ગઈ
- વય તેમ જ જન્મતારીખમાં વ્યાપક ભૂલો: સુધારાં માટે અરજદારોને પુરવઠા કચેરીના ધરમધક્કા અને કલાકોની કતારમાં પ્રતિક્ષા : સત્વરે યોગ્ય પગલાં ભરવા માગ


નડિયાદ શહેરમાં બારકોડેડ રેશનકાર્ડમાં વ્યાપક છબરડાં કરવામાં આવ્યા હોવાના કારણે કાર્ડધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાં રેશનકાર્ડમાં જે સંખ્યામાં નામો હતાં, તેનાં કરતાં અડધી સંખ્યામાં નામ નવા બારકોડેડ રેશનકાર્ડમાં દર્શાવાયાં છે. જેનાં કારણે નામો સુધારવા માટે ફરીથી અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભાં રહેવાની ફરજ પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે યોગ્ય પગલાં ભરવામાં આવે અને અરજદારોના હિ‌તમાં નિર્ણય લેવાય તેવી માગણી પ્રબળ બની છે.

આ અંગેની માહિ‌તી આપતાં જીયાઉદ્દીન સૈયદે જણાવ્યું હતું કે 'નડિયાદ શહેરમાં બારકોડેડ રેશનકાર્ડ આપવા માટે એક વર્ષ પહેલાં અરજદારોએ ફોર્મ ભર્યા હતાં. ફોર્મ ભરીને સંબંધિત વિસ્તારમાં આવેલી વાજબી ભાવની દુકાનના સંચાલકોને આપવામાં આવ્યાં હતાં. જોકે, નવા બારકોડેડ રેશનકાર્ડ હાથમાં અવ્ય્થ્થ્ં ત્યારે જે પરિવારના નવ સભ્યો હતાં તેમાંથી સાત સભ્યોની બાદબાકી કરી નાખવામાં આવી હતી. આવા એકાદ-બે કિસ્સા નથી, પણ મોટાભાગના પરિવાર સાથે ઘાટ સર્જા‍યો છે. આ ઉપરાંત કેટલાંય રેશનકાર્ડધારકોમાં પરિવારનાં સભ્યોનાં નામોમાં પણ વ્યાપક છબરડાં થયાં છે. જન્મ તારીખોમાં પણ વ્યાપક ભૂલો કરવામાં આવી છે. જેનાં કારણે રેશનકાર્ડધારકોને વાજબી ભાવની દુકાન પરથી આપવામાં આવતાં જરૂરી જથ્થો અપૂરતો મળે છે.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે 'આ બાબતની રજૂઆત સંચાલકને કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. આ કામગીરી નડિયાદ મામલતદાર કચેરી દ્વારા થઈ હોવાથી ત્યાંથી સુધારો કરાવી લાવો ત્યારબાદ જ જરૂરી જથ્થો આપવામાં આવશે, તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. એજન્સીની ભૂલને લીધે લોકોએ સહન કરવાનો વખત અવ્યો હોવાથી રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.’

નડિયાદ શહેર મામલતદાર કચેરીએ અરજદારોની કતારો

બારકોડેડ રેશનકાર્ડમાં વ્યાપક છબરડાંઓ કરવામાં આવ્યાં હોવાથી રોજ સવારે નામો તેમજ રેશનકાર્ડમાં થયેલી ભૂલો સુધારવા માટે મામલતદાર કચેરીએ અરજદારોની લાંબી કતારો લાગી જાય છે. આ કામગીરી પણ ખૂબ જ ધીમી અને મર્યાદિત સમયમાં થતી હોવાથી અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કલાકો સુધી લાઇનોમાં ઊભાં રહેવાનો વારો આવ્યો છે. એજન્સીની ભૂલોના કારણે પ્રજાજનોને હાલાકી વેઠવી પડી રહી છે.

સીધી વાત: નિયતી ઉત્સવ, મામલતદાર, નડિયાદ

બારકોડેડમાં થયેલી ભૂલો સુધારવા માટે તંત્ર દ્વારા મંગળવાર અને ગુરુવાર નિયત કરવામાં આવ્યાં

એજન્સીને નોટિસ ફટકારવામાં આવી


દિવ્યભાસ્કરે નડિયાદના મામલતદાર સાથે કરી સીધી વાત :

બારકોડેડના કોડ ઉકેલવા લોકો માટે અઘરાં થઈ ગયાં છે, તમને ખબર છે?
બારકોડેડ રેશનકાર્ડમાં વ્યાપક છબરડાં થયા હોવાની ફરિયાદો મળી હતી.
આટલીબધી ફરિયાદો આવી રહી છે, તમે શું કાર્યવાહી કરી છે?
આ ફરિયાદોના આધારે એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.
નોટિસ બાદ લોકોની સમસ્યા કેવી રીતે દૂર કરાશે?
બારકોડેડમાં જે ભૂલો થઈ છે, તે સુધારવા માટે બે દિવસ મંગળ અને ગુરુવાર નિયત કરાયાં છે. આ બે દિવસોએ બારકોડેડ રેશનકાર્ડમાં થયેલી ક્ષતિઓને દૂર કરવામાં આવે છે.
અઠવાડિયામાં બે દિવસ રાખ્યાં હોવાથી ભીડ વધી નહીં જાય?
અન્ય દિવસે પણ જો કોઈ કાર્ડધારક આવે તો તેની કામગીરી કરી આપવામાં આવે છે.