• Gujarati News
  • Anand District's 114 Gram Panchyat Election To Be Held Today

આણંદ જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતમાં આજે ચૂંટણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાનાર છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત આગલી સાંજથી ગોઠવી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના છ તાલુકામાં ૧૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેરાત થઈ હતી. જેમાં ૧૪ ગ્રામ પંચાયત સમરસ થતાં હવે ૧૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

આણંદ જિલ્લા ચૂંટણી વિભાગના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, સોજિત્રાની ૧૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું તા.૧૫મી જાન્યુઆરીના રોજ બહાર પાડ્યું હતું, જે અંતર્ગત ફોર્મ ભરવા સહિતની કામગીરી પૂર્ણ થતાં ૧૪ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. બાકીની ૧૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી તા.૩જી ફેબ્રુઆરીના રોજ સવારે ૮થી ૫ કલાક દરમિયાન યોજાશે.

જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતના ૪૭૯ વોર્ડ પર યોજાનારી ચૂંટણીમાં ૩૨૬ મતદાન મથક પર ૮૦૫ ઈવીએમનો ઉપયોગ થશે. જ્યારે ૨૦૦૦ કર્મચારી આગલી સાંજથી કામગીરીમાં જોતરાઈ ગયાં હતાં. આ ચૂંટણી નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ૪૭૦ પોલીસ જવાન, એક કંપની એસઆરપી, હોમગાડ્ઝgનો બંદોબસ્ત સ્થાનિક અધિકારીઓની નજર હેઠળ ગોઠવવામાં આવ્યો છે.

ઝોનલ અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા અપાઈ
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ પંચાયતો મુજબ રૂટ નક્કી કરી ઝોનલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે, આ તમામ ઝોનલ અધિકારીઓને જે તે વિસ્તાર માટે તેમની નિમણૂંક થઈ હોય તે વિસ્તાર માટે તા.૨જી ફેબ્રુઆરીથી તા.૫મી ફેબ્રુઆરી સુધીના સમયગાળા માટે તેમને સોંપવામાં આવેલા ચૂંટણીના કાર્યના અનુસંધાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ-૨૧ મુજબ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે સત્તાઓ આપવાનો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ સંદીપકુમાર દ્વારા કરવામાં આવ્યાં છે.

મતદાન મથકમાં અધિકૃત વ્યક્તિને જ પ્રવેશ
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે અને મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાઘાત ન પડે તેમજ મતદાન શાંતિરીતે પૂર્ણ થાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી. ગોહિલે હુકમ કર્યો છે તે અન્વયે મતદાન મથકમાં મતદાર, પોલીંગ ઓફિસર્સ, ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલી વ્યક્તિ, ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારનો એક મતદાર એજન્ટ, સ્ત્રી મતદારે તેડેલું બાળક, અંધ - અશક્તિ ઉમેદવારનો સાથી, ચૂંટણી અધિકારી કે પ્રિસાઈન્ડીંગ ઓફિસરે નિયુકત કરેલી હોય તેવી જ વ્યક્તિને મતદાન મથકમાં પ્રવેશ મળી શકશે.

ખેડા જિલ્લાની ૧૪ ગ્રામ પંચાયતોમાં ૨૭૩૭૩ મતદારો મતદાન કરશે
નડિયાદ.ખેડા જિલ્લાની ૧૪ ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજાવાની છે તે માટે કુલ ૧૨૧ ઉમેદવારો મેદાનમાં છે આ ઉમેદવારોના ભાવીનો ફેંસલો ૨૭,૩૭૩ મતદારો કરશે. જેમાં સરપંચના ૪૫ અને વોર્ડની બેઠકોના ૭૬ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમ્યાન અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાની ૧૫ ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીઓમાં કુલ ૩૭ એવીએમ મશીનનો ઉપયોગ થશે. જેમાં કુલ ૨૭૩૭૩ મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ મતદારોમાં ૧૪૫૪૮ પુરૂષો અને ૧૨૮૨૫ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં નડિયાદ તાલુકાની થલેડી, કલોલી, નવાગામ પેટલી, માતરની આંત્રોલી, વીરપુરની ભારોડી, ખાંટા, ઘાટડા જ્યારે બાલાસીનોરની પરબીયા, ગઢના મુવાડા, ડોડીયા, વસાદરા, કોતરડોર, વડદલા, તેમજ ઠાસરાની અંગાડી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.