ટોલનાકા પર ગ્રામજનોનો હલ્લાબોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કઠલાલ-પીઠાઇ ટોલનાકા પર ટોલટેક્સ ઉઘરાવવાના વિરોધમાં ગ્રામજનોએ રોષ ઠાલવ્યો
-૨૦ કિમીના ત્રિજ્યામાં આવેલાં ગામડાંઓને ટોલટેક્સમાંથી બાકાત રાખવામાં આવે તેવી માગણી સાથેની રજૂઆત ગ્રામજનો દ્વારા કરાઇ હતી

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામ પાસેથી પસાર થતાં ગોધરા-અમદાવાદ હાઇવે પર બનાવવામાં આવેલાં ટોલનાકા પર આ વિસ્તારના ગ્રામજનોના ટોળાંએ પોતાનો રોષ ઠાલવીને ટોલટેક્સ ઉઘરાવવાનો વિરોધ કર્યો હતો. આ વિસ્તારમાં ૨૦ કિમીના ત્રિજ્યામાં આવેલાં ગામડાંઓને ટોલટેક્સમાંથી બાકાત રાખવામાં આવે તેવી માગણી સાથેની રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. હજુ માર્ગો અધૂરાં છે ત્યાં ટોલટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ટોલનાકાની કેબીનના કાચ, સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર અને ટોલટેક્સની રસીદનું મશીન પણ તોડી નાખ્યું હતું. આ ઘટનાને પગલે કઠલાલ પોસઈ આર.આઈ.સોલંકી સહિ‌ત કપડવંજ પ્રાંત પી.બી.પંડયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ હાઇવે ઓથોરિટી દ્વારા કઠલાલ પોલીસ મથકે અજાણ્યા ઈસમોના ટોળા વિરુદ્ધ ફરિયાદ લખાવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદથી ગોધરા તરફ નવો હાઇવે બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. કઠલાલ સુધી આ રોડનું કામકાજ પૂર્ણ થઈ ગયું હોવાથી એસેલ અમદાવાદ-ગોધરા ટોલ રોડ, પીઠાઈ ટોલનાકા પાસે વાહનચાલકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવવાનું છેલ્લાં એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવ્યું છે.