• Gujarati News
  • Acid Attack Death Person Sister In Law's Husband Arrested

એસિડ એટેકમાં મૃતકના સાળીના પતિની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડાસંબંધનો વહેમ રાખીને હુમલો કર્યો હતો
પાલૈયાના દંપતિ પર એસીડ એટેક કરી એકની હત્યા કરવાના ગુનામાં ચકલાસી પોલીસે મૃતકના સાઢુની જ ધરપકડ કરી છે. આ હત્યા પાછળ આડાસંબંધનો વહેમ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
નડિયાદ તાલુકાના પાલૈયા ભગતની મુવાડીમાં રહેતા મુકેશભાઈ હરમાનભાઈ સોલંકી રિક્ષા ચલાવી કુંટુંબનું ભરણપોષણ કરતા હતા. મુકેશભાઈની સાળીનાં લગ્ન ગામમાં રહેતા દલપતભાઈ પ્રભાતભાઈ સોલંકી સાથે થયાં હતાં. મુકેશભાઈ પોતાની પત્ની સાથે આડોસબંધ ધરાવે છે. તેવો વહેમ રાખતા હતા. દરમિયાન ગુરૂવારે રાત્રિના મુકેશભાઈ તથા પત્ની દક્ષાબેન પોતાના ઘરના અડારામાં ખાટલામાં સુઈ ગયા હતા. તે વખતે રાત્રિના ૨ વાગે દલપતભાઈએ ખાટલામાં સુઈ રહેલા મુકેશભાઈ તથા દક્ષાબેન ઉપર જલદ્દ એસિડ રેડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.
આ સંદર્ભે દક્ષાબેને ગામનાં બુધાભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે ચકલાસી પોસઈ પી.એસ.ગઢવીએ બુધાભાઈ સોલંકીની પૂછપરછ હાથ ધરી હતી. હત્યા જેવા ગંભીર ગુનામાં કોઈ નિર્દોષ માણસ ફસાઈ ન જાય તે માટે પોલીસે બુધાભાઈ સોલંકીની વારંવાર પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ બુધાભાઈ નિર્દોષ હોવાનું જણાવતા હતા. જેથી પોલીસે ગંભીર રીતે દઝાયેલ દક્ષાબેનની પુન: પૂછપરછ કરતાં દક્ષાબેને જણાવ્યુ હતું કે મારા બનેવી દલપતભાઈ મારા પતિ ઉપર વહેમ રાખતા હતા.
જેથી દલપતભાઈએ અમારી ઉપર જલદ્દ એસીડ રેડયો હતો. જે-તે સમયે શરીરમાં બળતરા થતી હોય પોતે ગામના બુધાભાઈ સાથે પતિને ઝઘડો થયો હોવાથી તેઓનું નામ જણાવ્યું હતું. પરંતુ હાલ સંપૂર્ણ ભાનમાં હોય તથા સ્થિતિ સુધારા પર હોવાથી તેઓએ પોલીસને દલપતભાઈ સોલંકીએ જલદ્દ એસીડ રેડી પતિની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
જે સંદર્ભે ચકલાસી પોલીસે તુર્ત જ દલપત સોલંકીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં તેણે પોતે આ ગુનો કબુલ્યો હતો. જે સંદર્ભે ચકલાસી પોલીસે દલપત સોલંકીની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એસ.ગઢવી ચલાવી રહ્યા છે.