• Gujarati News
  • Women Of The Pahadiya Village Flocks Graze Rod Frightened

પહાડિયા ગામે ઘેટાં-બકરાં ચરાવવાની ના પાડતાં મહિલાને લાકડી મારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેવાલિયા પોલીસે ભરવાડ ઇસમ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ :ગળતેશ્વર તાલુકાના અંગાડી પહાડિયા ખાતે પોતાના ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવતાં એક ભરવાડને મહિલા ખેતરમાલિકે ઠપકો કર્યો હતો. ઉશ્કેરાયેલાં ભરવાડે મહિલાને લાકડીની ઝાપોટ મારી આંગળીઓ પર ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે મહિલાએ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ગળતેશ્વર તાલુકાના અંગાડિયા, પહાડિયા નવી નગરી ખાતે રહેતાં સવિતાબહેન સોમાભાઈ વણકરનું ગામની સીમમાં ખેતર આવેલું છે. આ ખેતરમાં તેઓએ બાજરીના પાકનું વાવેતર કરેલું છે. દરમિયાન 29મીના રોજ સાંજના 4 વાગ્યે ગામના રઘુભાઈ ભૂપતભાઈ ભરવાડ પોતાની ગાયો તથા ઘેટાં-બકરાં સવિતાબહેનનાં ખેતરમાં ચરાવતો હતો. સવિતાબહેને ‘મારાં બાજરીવાળા ખેતરમાં કેમ ગાયો ચારવા આવેલ છે’ તેમ કહેતાં રઘુ ભરવાડ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સવિતાબહેનને અપશબ્દો બોલી કમરે લાકડી મારતાં તેઓ નીચે પડી ગયાં હતાં.
રઘુએ હાથના ખભા અને ડાબા પગે લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી. આ વખતે રઘુ બરડામાં લાકડી મારવા જતાં સવિતાબહેને હાથ ઊંચો કરતાં હાથની આંગળી ઉપર ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે સવિતાબહેને સેવાલિયા પોલીસ મથકે રઘુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેતર વચ્ચેથી જવા બાબતે માર માર્યો

આણંદ : ખંભાતના કલમસર ગામે ખેતર વચ્ચેથી જવા બાબતે બે વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, કલમસર ગામે રહેતાં પ્રભુદાસ રામાભાઈ જાદવ 30મી જૂનની સાંજે ગામના અઝહરઅલી હસુમીયા સૈયદને રોકી ખેતર વચ્ચે ન જવા ઠપકો કર્યો હતો. આથી, ઉશ્કેરાયેલાં અઝહરે જાતિવાચક અપમાનીત શબ્દ કહી પ્રભુદાસ પર હુમલો કર્યો હતો. આ અંગે પ્રભુદાસની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અઝહરઅલી સૈયદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાલેજમાં સમાધાન કરવા ગયેલાં યુવક પર હુમલો

આણંદ: ઉમરેઠ તાલુકાના ભાલેજ પોલીસ તાબેના સૈયદપુરા ગામે એક્સિડન્ટ સંદર્ભે સમાધાન કરવા ગયેલાં યુવક પર આઠ ભરવાડ શખસે હુમલો કરતાં ચકચાર મચી છે. પોલીસે આઠ ઇસમ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે. ભાલેજ પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સૈયદપુરા મોટી ખડકી ખાતે રહેતાં દિપ્તેશકુમાર ચિરાગભાઈ પટેલની બાઇકને અકસ્માત થયો હતો. જે સંદર્ભે 1લી જુલાઇના રોજ બપોરે તેઓ સમાધાન કરવા ગયાં હતાં. આ સમયે આઠ જેટલાં ભરવાડ શખસ સફેદ સ્વીફ્ટ ગાડીમાં તથા બીજી ગાડીમાં લાકડીઓ સાથે આવી દીપ્તેશકુમાર પર હુમલો કર્યો હતો. આ અંગે દીપ્તેશકુમારે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આઠ ભરવાડ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મજૂરીના નાણાં માગતાં વેપારીએ ધારિયું માર્યું

નડિયાદ: નડિયાદના સલુણ ગામે વિષ્ણુભાઈ જેઠાભાઈ તળપદા વૃક્ષો રાખી લાકડા વેચવાનો ધંધો કરે છે. વિષ્ણુભાઈએ તાજેતરમાં વૃક્ષો રાખ્યાં હતાં. જેને કાપવા માટે ગામના ભાનુભાઈ લાખાભાઈ તળપદાને મજૂરીએ રાખ્યા હતા. આ લાકડા કાપવાની મજૂરી રૂ. 2500 થતાં ભાનુભાઈએ વિષ્ણુભાઈ પાસે મજૂરીના નાણાં માગ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા વિષ્ણુભાઈએ ભાનુભાઈને અપશબ્દો બોલી ‘ મજૂરીના પૈસા નહીં મળે’ તેમ કહી ડાબા હાથના કાંડા ઉપર પંજા નજીક ધારિયું મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે ભાનુભાઈ તળપદાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે વિષ્ણુભાઈ જેઠાભાઈ તળપદા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.