નડિયાદ: કપડવંજ – કઠલાલ રોડ પર આવેલ મહંમદપુરા ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ નજીક બુધવારે રાત્રે એક ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે વ્યકિતને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ સંદર્ભે કપડવંજ શહેર પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપડવંજ તાલુકાના આંત્રોલી તાબે કૈલાસનગર ખાતે રહેતા ભદ્રેશભાઈ કાળાભાઈ સોલંકી (ઉં.વ.32) કપડવંજ સાનિયા સેલ્સમાં નોકરી કરતા હતા.
બુધવારે રાત્રે તેઓ નોકરી પરથી છુટ્યા બાદ પોતાના મિત્ર શૈલેષ ભીમસિંહ સોલંકી સાથે પોતાની બાઈક ઉપર કપડવંજથી કૈલાસનગર તરફ જતા હતા. તેઓ મહંમદપુરા ગામની સીમમાં આવેલ એક પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી અેક નંબર વગરની નવી સફેદ કલરની ગાડીના ચાલક કલ્પેશ ગોવિંદભાઈ પટેલે પોતાની ગાડી બેફિકરાઈ અને પુરઝડપે હંકારી ભદ્રેશભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવતાં બાઈકસવાર ભદ્રેશ તથા શૈલેષ રોડ પર પટકાયા હતા.
જ્યારે ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભદ્રેશભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે ગાડીમાં બેઠેલા ગીરીશભાઈ શંકરભાઈ પટેલ (રહે.કેવડિયા, તા.કપડવંજ)નાઓને પણ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત શૈલેષ તથા કલ્પેશને તાત્કાિલક સારવાર અર્થે કપડવંજની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે કઠલાલ – કપડવંજ તરફના રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ કપડવંજ શહેર પોલીસ મથકે થતાં પોસઈ કે.એ.ડાભી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે રોડ પરથી વાહનો હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો. આ બનાવ સંદર્ભે ગગાભાઈ વાઘાભાઈ સોલંકી (રહે.કૈલાસનગરની) ફરિયાદના આધારે કપડવંજ શહેર પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોસઈ કે.એ.ડાભી ચલાવી રહ્યા છે.