તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારીનું પરિણામ: નડિયાદમાં લિફટના ખાડામાં મહિલા પડતા બુમાબુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી સોસાયટીમાં રહેતા માતા-પિતા અને તેમનો પુત્ર રવિવારે સાંજે દર્શન કરવા માટે ગયા હતા. તે સમયે ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેથી વરસાદથી બચવા માટે કિડની રોડ પર નવુ બની રહેલા કોમ્પલેક્ષમાં દોટ મુકીને ગયા હતા. પરંતુ તે સમયે અંધારુ હોવાથી લિફટ માટે ખોદવામાં આવેલા ખાડામાં માતા પડી ગઇ હતી. જેથી માતા-પિતાએ બુમાબુમ કરી હતી. પરંતુ બહાર નિકળવામાં સફળતા મળી ન હતી. છેવટે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર આવીને મહિલાને બહાર કાઢી હતી.
 
મંદિરે દર્શન કરવા જતાં હતા ને વરસાદથી બચવા કોમ્પલેક્ષમાં ગયા
 
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સિવીલ રોડ પર આવેલી શ્રીજી વિલાની પાછળની સોસાયટીમાં રહેતા મનોજભાઇ ગૌર પોતાની પત્ની મીનાબહેન અને તેમના પુત્ર સાથે રવિવારે સાંજે મહાગુજરાત રોડ પર આવેલા મંદિર ખાતે દર્શન કરવા માટે નિકળ્યા હતા. તેઓ કિડની રોડ પરથી આગળ જઇ રહ્યાં હતા તે સમયે જ એકાએક વાતાવરણ પલટાયું અને ભારે પવન ફૂંકાયું હતો. તેમજ વરસાદના છાટાં શરૂ થઇ ગયા હતા. આવામાં વીજ પુરવઠો પણ ખોરવાઇ જતા અંધારપટ્ટ છવાઇ ગયો હતો. જેથી વરસાદથી બચવા માટે આ પરિવાર માર્ગ પર જ બની રહેલા કોમ્પલેક્ષમાં દોટ મુકીને ગયા હતા.
 
ફાયરબ્રિગેડના જવાનોએ ખાડામાં નીસરણી મુકી મહિલાને બહાર કાઢી
 
કોમ્પલેક્ષની અંદર પ્રવેશવાના માર્ગમાં જ લીફટ માટે ખોદવામાં આવેલા ખાડામાં મીનાબહેન ગરકાવ થઇ ગયા હતા. જેથી પિતા-પુત્રએ માતાને બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ સફળતા ના મળતાં છેવટે ફાયર બ્રિગેડના જવાનને બોલાવા પડ્યા હતા. તેઓએ સ્થળ પર આવીને મીનાબહેનને બહાર કાઢયા હતા. ખાડામાં પડતાં તેઓ ગભરાઇ ગયા હતા. તેમજ શરીરના ભાગે વધતા ઓછાપ્રમાણમાં ઇજાઓ થઇ હતી. 
 
સાઇડના કામોમાં જગ્યા ખુલ્લી રખાતા રોષ
 
બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હોય ત્યારે પલાયવુડ કે પતરાં મારીને સાઇડને કવર કરવાની હોય છે. પરંતુ આ સ્થળ પર કોઇ જ કવર કરવામાં આવ્યું ન હતું. જેથી આ ઘટના બની હતી. સદનસીબે કોઇ ઘટના બની નથી પરંતુ પાલિકા દ્વારા આવી બેદરકારી રાખાનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે. 
 
અન્ય સમાચારો પણ છે...