નડિયાદ: દીવાલ ધરાશાયી થતાં 5 દટાયાં: એકનું મોત, બે બાળકોનો આબાદ બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહુધાના ઓધાજીની મુવાડીમાં દીવાલ ધરાશાયી થતાં 5 દટાયાં: એકનું મોત
- ભારે જહેમત બાદ બે બાળકોનો આબાદ બચાવ: પિતા, પુત્ર તથા પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં: સારવાર દરમિયાન એકનું મોત
નડિયાદ: મહુધા તાલુકાના મહિસા તાબે આવેલાં ઓધાજીની મુવાડીમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતાં અંદર સૂતેલાં પરિવારના પાંચ સભ્યો કાટમાળ નીચે દટાયાં હતાં. આ બનાવની જાણ આજુબાજુના રહીશોને થતાં ભારે જહેમત બાદ બે બાળકોને આબાદ બચાવી લીધાં હતાં, જ્યારે બે પુરુષ તથા એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે કઠલાલની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દંપતીને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પતિનું મૃત્યુ નીપજ્યું હતું.
મહુધા તાલુકાના મહિસા તાબે આવેલાં ઓધાજીની મુવાડીમાં રહેતાં ચંદુભાઈ ખુશાલભાઈ પરમાર દીકરા રાયસિંગ તથા પુત્રવધુ સંગીતાબહેન સાથે રહે છે. રાયસિંગને સંતાનમાં એક દીકરી મંજુલા (ઉં.વ.10) અને દીકરો લક્ષ્મણ (ઉં.વ.8) છે. રવિવારે રાત્રે રાયસિંગ પોતાનાં પરિવાર સાથે રાત્રે ઘરમાં સૂતાં હતાં ત્યારે રાત્રિનાં 12 કલાકે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. મકાનના પતરાં પડવાના અવાજના કારણે ફળિયાના લોકો જાગી ગયાં હતાં અને દોડી આવ્યા હતા.
તેઓએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલાં મંજુલા તથા લક્ષ્મણને આબાદ બચાવી લીધાં હતાં. કાટમાળ ખસેડી રાયસિંગભાઈ, ચંદુભાઈ તથા સંગીતાબહેનને બહાર કાઢ્યાં હતાં, જેમાં રાયસિંગ અને સંગીતાબહેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચંદુભાઈને પ્રમાણમાં ઓછી ઈજાઓ થઈ હતી. ઘવાયેલાં રાયસિંગભાઈ, સંગીતાબહેન અને ચંદુભાઈને સારવાર અર્થે કઠલાલની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રાયસિંગભાઈ અને સંગીતાબહેનને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. અહીં સારવાર દરમિયાન રાયસિંગભાઈ ચંદુભાઈ પરમાર (ઉં.વ.50)નું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મહુધા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...