નડિયાદ: નડિયાદના પ્રગતિનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પણ કાટમાળ અને બિન ઉપયોગી કલોરિન ગેસના ટર્નર હટાવવામાં પાલિકાની બેદરકારીને કારણે ગેસ ગળતરની ઘટના સર્જાઇ હતી. જો આ ઘટના રાત્રિના સમયે બની હોત તો કેટલી મોટી હોનારત સર્જાઇ હોત તેની કલ્પના જ કરવી રહી. ચોંકાવનારી બાબત તો એ છે કે, જિલ્લામાં આવી આપત્તિની ઘટના સર્જાય છે ત્યારે તેને પહોંચી વળવા માટેના કોઇ જ પ્રકારના સાધનો જિલ્લા વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં ફાયરબ્રિગેડના જવાનો જીવ જોખમમાં મુકી ફસાયેલાઓના જીવ બચાવે છે. પરંતુ આપત્તિના સમયે જિલ્લાની 20 લાખ પ્રજાજનોને તો, ભગવાન ભરોશે રહેવાનો વારો આવે છે.
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં આવેલ પ્રગતિનગર વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં હતી. જેને ઉતારવાની કામગીરીમાં આળસ રાખતા આ ટાંકી 15 દિવસ પહેલા ધરાશાયી થઇ ગઇ હતી.જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. તેમજ કેટલીક વ્યકિતઓને ઇજાઓ પણ થઇ હતી. તેમછતાં પણ આ ટાંકીના કાટમાળને કાટમાળને હટાવવામાં તેમજ તેની બાજુમાં આવેલી કલોરીન ગેસ ભરેલા ત્રણ ટર્નર ખસેડવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. જેથી આ ગેસ લિકેજની ઘટના સર્જાઇ હતી. ટાંકી ધરાશાયી થયા બાદ પણ કોઇ પણ પ્રકારની તકેદારી રાખવાને બદલે સંવેદનશીલ ગણાતી આ ટેન્ક હટાવાઇ ન હતી. સદનસીબે આ ઘટના દિવસે બની હતી. જો આ ઘટના રાત્રિના સમયે બની હોત તો, મોટી હોનારત સર્જાત અને કેટલાય વ્યકિતઓના જીવ જોખમમાં મુકાત. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે, આવી હોનારતોને પહોંચી વળવા માટે ખેડા જિલ્લામાં આવેલા ફાયર સ્ટેશન પૈકી એક પણ ફાયર સ્ટેશન આધુનિક સાધનોથી સુસજજ નથી. જિલ્લામાં 20 લાખની પ્રજાની સલામતી માટેના પુરતા સાધનોનો સંપૂર્ણ અભાવ વર્તાઇ રહ્યો છે. જેથી ગેસ ગળતર જેવી ઘટના કે અન્ય કોઇ મોટી હોનારત સર્જાય તો, તમામ પ્રજાજનોને ભગવાન ભરોશે રહેવાનો વારો આવ્યો છે. જયારે પોતાની પાસે સાધનો ના હોવાને કારણે જીવ જોખમમાં મુકીને ફસાયેલાઓના જીવ બચાવવાની કામગીરી કરવી પડે છે તેમજ અમદાવાદ અને વડોદરા જેવા શહેરોના ફાયર બ્રિગેડ પર મદદની આશ રાખવી પડે છે. જો જિલ્લા કક્ષાએ તમામ સાધનોથી સુસજજ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તો, વધુ ઝડપથી રેસ્કયુની કામગીરી કરી શકાય.
ફાયર બ્રિગેડના ત્રણ જવાનો પણ સુરક્ષિત
ગેસ ગળતર થવાને કારણે બચાવ કામગીરીમાં રોકાયેલા ફાયર બ્રિગેડના ત્રણ જવાનોને પણ ટાંચા સાધનો વચ્ચે જીવ જોખમમાં મુકીને લોકોને બચાવ્યા હતા. જેમાં ત્રણ જવાનો પણ બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ કરાયા હતા. તેઓને મંગળવારે સવારે રજા આપવામાં આવી હતી. આ ત્રણ કર્મીઓમાં રામયુ આર.શર્મા, રોનક ઠાકોર અને રંગબહાદુર ગુરખાનો સમાવેશ થાય છે.
કલોરિન ગેસના બોટલ ગોજારિયા જીઆઇડીસી મોકલી અપાયા
ગેસ ગળતરની ઘટના બાદ નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો ખડે પગે રહ્યાં હતા. તેઓએ ઓરડીમાં મુકવામાં આવેલા આ ત્રણેય ગેસના ટર્નરને સાંજે 6 વાગ્યા બાદ ડમ્પરમાં ભરીને વિસનગર ખાતે ગોઝારિયા જીઆઇડીસીમાં મોકલી અપાયો હતો. જયાં તેને ડિસ્પોઝ કરી દેવાયો હતો. તેમ પણ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...