નડિયાદ: મહેમદાવાદ, ખેડા અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી શેઢી કેનાલમાં પાણી નહીં છોડાતાં હજ્જારો હેક્ટર જમીનમાં વરસાદ ખેંચાતા વાવણી વિના જમીન પડતર પડી રહી છે અને બીજી બાજુ શેઢી કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતું નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ નડિયાદ રામતલાવડી પાસે આવેલી શેઢી સિંચાઈ વિભાગની કચેરીમાં ખેડૂતોએ ઘેરાવો કરીને સિંચાઈ માટે પાણી આપોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, સત્વરે કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો, ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ સંદર્ભે ખેડૂત ભીખાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મહુધા તાલુકાના ફીણાવ, વડથલ, સિંઘાલી, ખુંટજ, બગડુ, સાપલા તેમજ નડિયાદ તાલુકાના અરેરા, દેવકીવણસોલ તેમજ મહેમદાવાદ તાલુકાના ખાત્રજ સહિત અન્ય ગામો અને ખેડા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે ઉપરોક્ત ગામોમાંથી શેઢી સિંચાઈ કેનાલ પસાર થાય છે પરંતુ આ કેનાલમાં શેઢી સિંચાઈ ખાતાના અધિકારીઓની ઓડાડાઈના કારણે પાણી છોડવામાં આવતુ નથી. જેથી ગુરૂવારે ઉપરોક્ત ગામોના ખેડૂતો એકત્રીત થયા હતા. ખેડૂતોની સાથે મહેમદાવાદના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની આગેવાની હેઠળ નડિયાદ રામતલાવડી પાસે આવેલ શેઢી સિંચાઈ વિભાગની કચેરીનો ઘેરાવો કર્યો હતો અને ખેડૂતોને પાણી આપો, તેવા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં જણાવ્યુ હતું કે, વરસાદ ખેંચાવાના કારણે ડાંગરની રોપણી થઈ શકી નથી. કેનાલમાં પાણી નહીં આવવાથી ઉપરોક્ત ગામોના મોટાભાગના ખેડૂતો દ્વારા ડાંગરની રોપણી થઈ શકી નથી. પાણી નહીં આપવામાં આવે તો, ચોમાસુ પાક લઈ શકશે નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે. મહેમદાવાદ તાલુકામાંથી પસાર થતી વરસોલા, નેનપુર, વિરોલ, ખુમરવાડા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.