નડિયાદ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરોમાં ધર્માદાના અસ્વીકારના મુદ્દે પદભ્રષ્ટ આચાર્ય અજેન્દ્રપ્રસાદના જૂથના સંતો તથા હરિભક્તો દ્વારા સુરત સહિત અન્ય જગ્યાએ આંદોલન છેડ્યું છે. શનિવારે સાંજના 6 કલાકે 50થી 60 જેટલાં સ્ત્રી-પુરુષ હરિભક્તો દ્વારા મંદિરની સામે આવેલી જગ્યામાં આંદોલન શરૂ કર્યું હતું. આ ઘટનાના કોઇ ઘેરાં પ્રત્યાઘાત ન પડે તે માટે ચકલાસી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાબાના મંદિરોમાં ધર્માદાના અસ્વીકાર અંગે પદભ્રષ્ટ આચાર્ય અજેન્દ્રપ્રસાદના જૂથ દ્વારા સુરતના રામપુરા વિસ્તારમાં આવેલાં સ્વામિનારાયણ મંિદરમાં પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. મંદિરોમાં નામધર્માદાનો અસ્વીકાર કરાતાં વિરોધમાં આ જૂથના ટેકેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયાં હતા. વડતાલ મંદિર દ્વારા ધર્માદાના અસ્વીકાર મુદ્દે આ જૂથના ટેકેદારો દ્વારા શનિવારે સાંજના 6 કલાકે વડતાલ મંદિરની બહાર 50થી 60 જેટલાં સ્ત્રી-પુરુષો બેસી ગયાં હતાં અને ધૂન બોલાવી હતી.