નડિયાદ: નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેહુલિયાે સતત વરસતાં નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના દેસાઇ વગો, ચાર ગરનાળામાં વરસાદી પાણી ભરાયેલાં હતાં. આ ઉપરાંત મરીડા ભાગોળ વિસ્તારના રોડ પર પડેલાં ભૂવામાં એક ટ્રક ફસાઇ ગઇ હતી. તેમજ પીજ રોડ પર જિલ્લા કલેક્ટરના બંગલા નજીક રોડ પર ભૂવો પડતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ મેઘાના સતત વહાલથી ખેડૂતો ગેલમાં આવી ગયાં છે. ખેડૂતો ખેતરમાં ખેડ, ડાંગરની રોપણી સહિત અન્ય ખરીફ પાકની વાવણીમાં જોતરાઇ ગયાં છે. છેલ્લાં ત્રણ દિવસથી મેહુલિયાની અવિરત ધારાઆે રહેતાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 403 મિમી વરસાદ નોંધાયો છે, જેમાં જિલ્લામાં સૌથી વધારે કપડવંજ તાલુકામાં 64 મિમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં શનિવારથી ધીમીધારે વરસી રહેલાં વરસાદને કારણે ચોમાસાની જમાવટ થઇ રહી છે. રવિવારની જેમ સોમવાર પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
આખો દિવસ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. નડિયાદ સહિત તાલુકા મથકોના શહેરી વિસ્તારમાં અવિરત રીતે વરસાદના હળવા તથા ભારે ઝાપટાં પડવાના કારણે બજારોમાં ચહલપહલ ઓછી જોવા મળી હતી. ખેડૂતો હોંશે હોંશે ખરીફપાકના વાવેતરની કામગીરીમાં જોતરાઇ ગયાં હતાં. સોમવારે સવારથી સાંજે 4 કલાક સુધી પડેલાં વરસાદમાં કપડવંજમાં 8 મિમી, નડિયાદમાં 21 મિમી, માતરમાં 7 મિમી, ખેડામાં 3 મિમી, મહેમદાવાદમાં 7 મિમી, મહુધામાં 7 મિમી, વસોમાં 8 મિમી, ગળતેશ્વરમાં 31 મિમી, ઠાસરામાં 12 મિમી વરસાદ વરસ્યો હતો, જ્યારે કઠલાલમાં વરસાદે વિરામ લીધો હતો.
અવિરત વરસાદથી રોપણીમાં ધમધમાટ
ખેડા જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી મેહુલિયાએ ધરતીપુત્રોને આનંદમાં લાવી દીધાં હતાં. ખેડૂતોએ ખેતરમાં ખેડ, રોપણી વગેરે ખેતીકામમાં પરોવાઇ ગયાં હતાં. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 50 હજાર ઉપરાંત હેક્ટરમાં ખરીફપાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. ખરીફપાકના વાવેતરનો આંક 85 હજાર હેક્ટરે પહોંચી ગયો છે. ખરીફ સીઝનમાં જિલ્લામાં બે લાખ ઉપરાંત વાવેતર થાય છે, તેમ ખેતીવાડીના સૂત્રોએ જણાવ્યું હતું.