સાર્વત્રિક વરસાદ: વણાકબોરી ડેમ છલકાયો, ઠાસરા-ગળતેશ્વરનાં ગામો અલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં: વૃક્ષો, વીજપોલ ધરાશાયી, માર્ગો પર ભૂવા પડતાં જનજીવનને અસર
-આણંદ જિલ્લામાં પોણા ઇંચથી બે ઇંચ વરસેલો વરસાદ: સૌથી વધુ આણંદ શહેરમાં બે ઇંચ ને સૌથી ઓછોઉમરેઠમાં પોણોઇંચ વરસાદ
- સતત ચાર દિવસથી વરસતા વરસાદને કારણે પાણીનો નિકાલ ન થતાં ઠેર-ઠેર પાણી ભરાવાની સર્જાયેલી સમસ્યા

નડિયાદ:નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધીમી ધારે અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદ વચ્ચે તેજ પવન ફૂંકાતાં વીજથાંભલા તેમ જ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યાં હતાં. જિલ્લાના કેટલાય ગામોમાં વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. કેટલીક જગ્યાએ તળાવ તેમજ નાળાં છલકાઈ ગયાં છે. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. પરિણામે જનજીવન ખોરવાઈ ગયું હતું. જિલ્લામાં મંગળવારે વધુ 337 મિમી વરસાદ નોંધાયો હતો.
ખેડા જિલ્લામાં શનિવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મંગળવારે પણ અવિરત ચાલું રહ્યો છે. સોમવારે રાત્રિએ પડેલાં ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતાં. ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં. મંગળવારે સવારથી ઠંડા પવન વચ્ચે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સાંજે 4 વાગ્યા બાદ જિલ્લામાં વરસાદે ઘડીભર વિરામ લીધો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. નડિયાદ તાલુકાના મહોળેલ, મહેમદાવાદ તાલુકાના હલધરવાસ, કઠલાલ તાલુકાના છીપીયાલ વગેરે વિસ્તારોમાં વૃક્ષો તેમજ વીજપોલ ધારાશાયી થવાની ઘટના બની હતી.

અવિરત વરસાદની અસર રોજિંદા જનજીવન પર થઇ હતી.સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ તેમજ અરજદારોની ચહલપહલ અંશત: જોવા મળી. મંગળવારે સવાર 7 વાગ્યાથી સાંજે 4 કલાક સુધી નોંધાયેલાં વરસાદમાં નડિયાદમાં 31 મિમી, માતરમાં 45 મિમી, ખેડામાં 32 મિમી, મહેમદાવાદમાં 56 મિમી, મહુધામાં 45 મિમી, કઠલાલમાં 37 મિમી, કપડવંજમાં 47 મિમી, વસોમાં 26 મિમી, ગળતેશ્વરમાં 08 મિમી અને ઠાસરામાં 10 મિમી વરસાદ વરસ્યો હતો.
પવનની વધુ ઝડપથી વાતાવરણ ઠંડુંગાર
મંગળવારે સવારથી પવન સાથે વરસાદને ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ પારો પણ એક ડિગ્રી નીચે ઊતરી ગયો હતો. મહત્તમ તાપમાન 26.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી, ભેજનું પ્રમાણ 95 ટકા, પવનની ઝડપ 11.6 કિમી પ્રતિ કલાક નોંધાઇ હતી.

વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો
ઉપરવાસમાં થઈ રહેલાં અવિરત વરસાદના કારણે વણાકબોરી ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી 67.70 મીટર વટાવીને 2.86 મીટર ઉપરથી પ્રવાહ વહી રહ્યો છે. આ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.
ઠાસરા-ગળતેશ્વરનાં ગામો અલર્ટ
વણાકબોરી ડેમમાંથી મંગળવારે બપોરે 12 કલાકે 50 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતાં ઠાસરા તાલુકાના કોતરિયા, રાણીયા, વનોડા, મહીઈંટાડી, કુણી, ગળતેશ્વર, ભદ્રાસા, ચીતલાવ, પાલી, સાંગોલ તથા અકલાચાના ગ્રામજનોને અલર્ટ કરવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લાના વિવિધ ડેમની સપાટી
જળાશય ભયજનક સપાટી (મી) હાલની સપાટી (મી)

વણાકબોરી 67.70 70.56
કડાણા 127.72 124.92
પાનમ 127.41 124.45
વાત્રક 136.25 131.92
શેઢી નદી (ડાકોર) 6.80 3.90
ધરોઈ ડેમ 192.24 185.40
આગળની સ્લાઈડ્સમાં વાંચો, આણંદમાં 4થા દિવસે પણ મેઘરાજાની ધમાધમ: જનજીવનને વ્યાપક અસર,આણંદ જિલ્લામાં નોંધાયેલો વરસાદ,નડિયાદના માખણપુરામાં પાણી ભરાતાં હાલાકી.....
અન્ય સમાચારો પણ છે...