Home » Madhya Gujarat » Latest News » Nadiad » Vadtal will be included on the pilgrimage list

વડતાલનો યાત્રાધામની યાદીમાં સમાવેશ કરાશે, ધર્મસ્થાનમાં માળખાકીય સુવિધા વધશે

Divyabhaskar.com | Updated - Nov 23, 2018, 10:46 PM

2.36 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

 • Vadtal will be included on the pilgrimage list

  નડિયાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ એવા વડતાલને યાત્રાધામનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારના રોજ કાર્તિકી સામૈયામાં ખાસ હાજર રહી જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતને આચાર્ય રાકેશપ્રકાશજી સહિતના સંતો-મહંતો અને હરિભક્તોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. વડતાલનો યાત્રાધામમાં સમાવેશ થતાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પાયાની સગવડોના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાશે.


  વડતાલ ખાતે કાર્તિકી સામૈયામાં હજારો હરિભક્તોને સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પવિત્ર યાત્રાધામોમાં અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા અને પાલિતાણા જેમ હવે વડતાલનો પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં હરિકૃષ્ણ ભગવાન અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓની સ્થાપના કરવા સાથે મંદિર નિર્માણ તેમજ શિક્ષાપત્રી પણ વડતાલમાં જ લખી હતી.

  સ્વામિનારાયણ સંપ્રદાય માટે વડતાલ તીર્થસ્થાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરી જનસેવા જનસુવિધાના શિક્ષણ, આરોગ્ય સેવા, પ્રકલ્પો, સામાજિક ચેતના જગાવતા કામો, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા જેવા સામાજિક કાર્યોને ધર્મ કાર્ય સાથે જોડી ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. માનવજીવનમાં આધ્યાત્મિક ચેતના જગાવવા સાથે સંસ્કાર અને સંસ્કૃતિ ખીલે, સત્ય – નિષ્ઠા, ઇમાનદારી, સદાચાર સાથે માનવીમાં દયા, કરૂણા, અનુકંપાનો ભાવ પ્રગટે તે માટે આવા તીર્થસ્થાનોનું આગવું મહત્વ રહ્યું છે.


  આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરભાઈ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત સંતોએ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સામૂહિક આરતી કરી હતી. આ પ્રસંગે સાવલીના ભક્તવૃંદ દ્વારા 50 હજાર ચોકલેટથી તૈયાર કરવામાં આવેલા હારથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ સહિત સંતો, ટ્રસ્ટી મંડળના સભ્યો, વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર વગેરા હાજર રહ્યા હતા.

  રજત તુલાની સો કિલો ઉપરાંત ચાંદી હોસ્પિટલને અર્પણ કરાઈ.

  વડતાલ કાર્તિકી સામૈયા પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની 92 કિલો ચાંદીની રજત તુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમ વડતાલ સ્વામિનારાયણ ધામ સંચાલિત હોસ્પિટલમાં સુવિધા વિકાસ કામો માટે આપવાની જાહેરાત કરી હતી. આ 92 કિલો ચાંદી ઉપરાંત હરિભક્તે વધુ ચાંદી ઉમેરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ઘઉં, તલ, મગફળી અને મમરાનાં હાર પહેરાવી મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.


  મુખ્યમંત્રીએ સંતરામ મંદિરના દર્શન કર્યાં


  ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના પૂર્ણાહૂતિ અને વડતાલ બસ મથકના લોકાર્પણ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દર્શન કર્યાં હતાં. મુખ્યમંત્રીની સાથે સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, કલેક્ટર સુધીર પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

  યાત્રાળુઓ માટે બાગ, બગીચા, ફુવારા રસ્તા સહિતની સુવિધા ઊભી કરાશે

  વડતાલને પવિત્ર યાત્રધામોની યાદીમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી કરી હતી. આ જાહેરાત અંગે ખેડા કલેક્ટર સુધીર પટેલે જણાવ્યું હતું કે, વડતાલને રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટમાંથી વડતાલમાં માળખાકીય કામો થશે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે બાગ, બગીચા, ફુવારા, રસ્તા સહિતના કામો થશે. આ કામોમાં સ્થાનિક સ્વરાજ્ય પર બોજ નહીં પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામમાં સમાવેશ થતાં આગામી દિવસોમાં વડતાલમાં સર્વે કરી કઇ કઇ માળખાકીય સુવિધા ઉભી કરવાની તાતી જરૂરિયાત છે ? તેના માટે કેટલો ખર્ચ થશે ?આ સમગ્ર બાબતનું આયોજન કરી તેને યાત્રાધામ વિકાસ બોર્ડમાં મોકલી આપવામાં આવશે. જેની મંજુરી મળતાં કામ શરૂ કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ