ગોધરાકાંડનો પડઘો/ મહેદાવાદના ઘોડાસર અને જીંજરના રમખાણનો આરોપી 17 વર્ષે પકડાયો

Divyabhaskar.com

Dec 07, 2018, 11:23 PM IST
The accused of Mehsad's ghodasar andjinjar riot was arrested for 17 years

* ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોમાં 17 નિર્દોષ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં

* અગાઉ 65 આરોપી પકડાયા હતા

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ઘોડાસર અને જીંજર વિસ્તારમાં 2002ના ગોધરાકાંડ પછી થયેલાં કોમી રમખાણોમાં 17 વર્ષથી ફરાર 66મા આરોપી રામસિંહ ઉર્ફ રામા શકરાભાઈ ચૌહાણને મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસપકડથી બચવા આરોપી ખેતર તરફ ભાગ્યો હતો છતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. આ હત્યાકાંડમાં કુલ 17 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં.

પોલીસે તેના ઘરને કોર્ડન કરી રેડ પાડી, ભાગવા માટે ખેતરમાં દોડ્યો પણ ન ફાવ્યો

ગોધરાકાંડ પછી મહેમદાવાદ તાલુકાના ઘોડાસર અને જીંજર વિસ્તારમાં કોમી અથડામણ થઈ હતી, જેમાં 17નાં મૃત્યુ થયાં હતાં. આ ગુનામાં સંડોવાયેલા 65 આરોપીને પકડી કોર્ટ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. 7 ડિસેમ્બરે મહેમદાવાદ પોલીસના કોન્સ્ટેબલ આલાભાઇ જેઠાભાઇને બાતમી મળી હતી કે, રામસિંહ તેના ઘોડાસર ખાતે આવેલા ઘરે આવ્યો છે. આ બાતમીના આધારે મહેમદાવાદ પોલીસની ટીમ ખાનગી વાહનમાં ઘોડાસર પહોંચી હતી અને રામસિંહના ઘરથી થોડે દૂર વાહન ઊભું રાખી, તેના ઘરને કોર્ડન કર્યું હતું. ત્યારબાદ છાપો માર્યો હતો. જોકે રામસિંહ ચૌહાણ ફરાર થઈ જવા માટે ફરી એક વાર ખેતરાળુ રસ્તે દોટ મૂકી હતી, પરંતુ પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

17 વર્ષ સંબંધીઓને ત્યાં, મંદિરોમાં ફરતો રહ્યો હતો


17 વર્ષથી નાસતો ફરતો રામસિંહ ઉર્ફે રામાભાઇ ચૌહાણ હત્યામાં સંડોવણી બાદથી જ મહેમદાવાદ છોડીને ભાગી ગયો હતો. તે ગુજરાતના અને ગુજરાત બહારના મંદિરોમાં જ સંતાતો ફરતો હતો. થોડા સમય કોઇ સંબંધીને ત્યાં રોકાતો અને ફરી પાછો મંદિરમાં રહેવા જતો રહેતો. અને મંદિરમાં સેવા કરતો હતો.


નાની અડબોલીમાં સરકારી શાળામાં શિક્ષક હતો


રામસિંહ ઉર્ફે રામાભાઇ ચૌહાણ મહેમદાવાદ તાલુકાના નાની અડબોલી ગામમાં શિક્ષક તરીકે 20 વર્ષ સુધી ફરજ બજાવી હતી. રમખાણો દરમિયાન તેની સંડોવણી બાદ, તે ફરાર થઇ ગયો હતો. પોલીસે અગાઉ જુદા જુદા સમયે આ કેસના 65 આરોપીને ઝડપી લીધા હતા.

બે મહિનાથી વોચમાં હતા


છેલ્લા બે મહિનાથી અમારી પોલીસ વોચમાં જ હતી. 17 વર્ષથી તે ગુજરાત અને દેશના અલગ અલગ મંદિરોમાં સંતાતો અને નાસતો ફરતો હતો. હાલમાં વધુ તપાસ હાથ ધરાઈ છે.' = આર.ડી.સગર, પોલીસ સબ ઇન્સપેક્ટર, મહેમદાવાદ પોલીસ મથક

આ ગુનામાં 65 આરોપી પકડાયા હતા, તેમાંથી 15 આરોપીને 2 વર્ષથી આજીવન કેદની સજા થઈ છે


આ ગુનામાં સંડોવાયેલા 15 આરોપીઓને અત્યાર સુધીમાં સજા થઇ છે. જેમાં 12 આરોપીઓને આજીવન કેદની સજા અને 3 આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.


પરિવાર ઘોડાસરમાં જ રહેતો, રામસિંહને 2 સંતાન


રામસિંહના પરિવારમાં પત્ની, 1 પુત્ર અને 1 પુત્રી છે. રામસિંહ ફરાર થયા બાદ પરિવાર ઘોડાસરમાં જ રહેતો હતો. વચ્ચે વચ્ચે રામસિંહ કોઇને ખબર ન પડે તે રીતે આવી પરિવારને મળી જતો હતો. પોલીસને આ વાતની બાતમી મળી ત્યારથી વોચ ગોઠવી હતી.

X
The accused of Mehsad's ghodasar andjinjar riot was arrested for 17 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી