નડિયાદ સંતરામ મંદિર 1.21 લાખ દીવડાની ભવ્ય રોશનીથી ઝળહળ્યું, આતશબાજી સાથે આકાશ રંગોની રોશનીથી છવાયું

જય મહારાજના જયઘોષથી દેવદિવાળીના પર્વની ભાવપૂર્ણ ઉજવણી

DivyaBhaskar.com | Updated - Nov 24, 2018, 12:30 PM

નડિયાદ: નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીના મહાઉત્સવની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સાંજે સંધ્યા સમયે 1.21 લાખ દીવડાની ભવ્ય રોશનીથી મંદિર પરિસર ઝળહળ્યું ત્યારે ચોમેર જય મહારાજનો નાદ ગૂંજ્યો હતો. ભવ્ય આતશબાજીએ ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો.

સંતરામ મંદિરમાં દેવદિવાળીના પર્વનું ખૂબ મહાત્મય છે. મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં શુક્રવારે દેવદિવાળીના પર્વની ઉજવણી વખતે સવારથી દર્શનાર્થીઓની ભીડ રહી હતી. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. 6 વાગ્યે અંધારૂ થતા સુધીમાં મંદિર ગ્રાઉન્ડ ફ્લોરથી ટેરેસના ખૂણેખૂણા ભરચક બની ગયા હતા. જો કે, લોકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. જેને લઇ છેક બહરાના ભાગ સુધી લોકોની ભીડ જોવા મળી હતી. સંધ્યા સમયે પૂ. રામદાસજી મહારાજે મંદિરના તુલસી ક્યારા આગળ દીવો પ્રગટાવ્યો હતો. એ સાથે જ મંદિરમાં સ્વયંસેવકો દ્વારા વિવિધ જગ્યાએ દીવડા પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

જોતજોતામાં જ ચારે બાજુ દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો. દીવાની રોશનીએ અદભૂત નજારો ઊભો કર્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. ટેરેસ પરથી કરવામાં આવતી આતશબાજીના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. હવાઇઓના કારણે આકાશ રંગોની રોશનીથી છવાયું હતું. આ પ્રસંગે ભાવિકો દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.

નારાયણ દેવ મંદિર સહિત અન્ય મંદિરોમાં દેવદિવાળી ઉજવાઇ

નડિયાદમાં આવેલ નારાયણ દેવ મંદિરમાં પણ શુક્રવારે દેવદિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં દીવડાની રોશની કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહેરામણ દર્શનાર્થે ઉમટ્યો હતો. શહેરના અન્ય મંદિરોમાં પણ શુક્રવારે દેવદિવાળીના ઉત્સવની ઉજવણી કરાઇ હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App