તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીને એરહોસ્ટેસ બનાવવાનું સ્વપ્ન રોળાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના કર્મવીરનગર નજીક સુંદરવનમાં રહેતી અને અમદાવાદના આંબાવાડીમાં એરહોસ્ટેસનો કોર્સ કરવાની સાથે વકીલની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી ઇશાની સંદિપભાઇ પરમારની બુધવારના રોજ તેની ઓફિસમાં જ ઘાતકી હત્યા થઇ હતી. આ હત્યાના પગલે ઇશાનીનો પરિવાર ભાંગી પડ્યો હતો. આ સમાચાર સાંભળ્યા બાદ તેના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યાં હતાં. દિકરીને એરહોસ્ટેસ બનાવવાનું સ્વપ્ન જોતા માતા અને પિતા લોહીથી લથપથ દિકરીનો મૃતદેહ જોઇ સુન થઇ ગયાં હતાં. નડિયાદ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે મૃતક ઇશાની પરમારના કાકા સ્નેહલભાઇ નટુભાઇ પરમારે જણાવ્યું કે, નિત્યક્રમ મુજબ બુધવારે વહેલી સવારે 5/30 કલાકે એક્ટિવા પર ઇશાનીને અમદાવાદ જવા નડિયાદ રેલવે સ્ટેશને મુકવા ગયા હતા. જ્યાં ઇશાની રૂટિન મૂડમાં જ હતી. તેણીએ કોઇ છોકરો તેને હેરાન કરતો હોવાની ક્યારેય પણ મને કોઇ જ વાત કરી ન હતી. તેમ મૃતકના કાકા સ્નેહલભાઇએ વાતચીતમાં જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, બુધવાર સાંજે લાડકવાયી ભત્રીજી ઇશાની સાથેના બનાવની જાણ થતાં તેના પિતા સંદિપભાઇને જાણ કરવામાં આવી હતી. આથી, અમે પરિવારના સભ્યો તાબડતોબ અમદાવાદ દોડી ગયા હતા. જ્યાં અમારી લાડલી ઇશાનીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇ અમારા પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને અમારા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો.

મૂળ નડિયાદની અને અમદાવાદમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતી ઇશાનીની પ્રેમીએ હત્યા કરી લાડકવાયી ભત્રીજીની લોહીથી લથબથ લાશ જોઇ કાકા ફસડાઇ પડ્યા, આરોપીની બાયડથી ધરપડક
પુત્રીના મોતના સમાચાર સાંભળ્યા બાદ પરિવારજનોમાં ગમગીની છવાઇ.

ક્યારેય ફરિયાદ કરી નોહતી : દાદા
ઇશાનીના દાદા નટુભાઇ કાળીદાસ પરમારે જણાવ્યું હતું કે, તેણીને નડિયાદ રેલવે સ્ટેશન મુકવા ગયેલાં કાકા સ્નેહલભાઇ લોહીના ખાબોચિયામાં પડેલી ભત્રીજીનો મૃતદેહ જોઇ ફસડાઇ પડ્યા હતાં. ઇશાનીએ ક્યારેય પણ કોઇ ફરિયાદ કરી નથી.

હત્યારો નરેશ પરણેલો હોવા છતાં તેણે પ્રેમજાળમાં ફસાવી
અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં નડિયાદની યુવતીની નિર્મમ હત્યા પ્રકરણમાં એલિસબ્રિજ પોલીસે હત્યારા શખસને ગઇકાલે જ સાબરકાંઠાના બાયડ-આંબલિયારા રહેતાં તેના ફઇબાએ પોલીસમથકમાં હાજર કરી દેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અનેક રહસ્યોના જાળા સર્જાયા છે. નરેશના લગ્ન થઇ ગયા હોવા છતાં તેણે ઇશાનીને પ્રેમજાળમાં ફસાવી હતી. બીજી તરફ તેનો ભાંડો ફુટી જતાં આ સમગ્ર ઘટના ક્રમ સર્જાયો હોવાનું જણાઇ રહ્યું છે.

નડિયાદની ઇશાનીની હત્યા કરનારાં નરેશ અરવિંદભાઇ સોઢા પરિણીત હોવા છતાં તેણે ઇશાની પરમારને પ્રેમજાળમાં ફસાવી હતી. તેને હરવા ફરવા પણ લઇ જતો હતો અને અવારનવાર મોંઘીદાટ ભેટ-સોગાદ આપતો હતો. આ સબંધ બાબતે મૃતક ઇશાનીના પરિવારને જાણ થઇ હતી અને તેથી અવારનવાર ઘરમાં તે બાબતે તકરાર થતી હતી. મૃતકના પિતા સંદિપભાઇએ પણ નરેશને ઇશાની સાથે સબંધ નહિ રાખવા અગાઉ ઠપકો પણ આપ્યો હતો.

આ ઘાતકી હત્યા પ્રકરણમાં આજે ગુરૂવારે આરોપી નરેશ સોઢાના બિલદરા ગામે રહેતાં પિતા અરવિંદભાઇ શનાભાઇ સોઢાએ જણાવ્યું હતું કે, પુત્ર નરેશના લગ્ન પાંચેક વર્ષ અગાઉ થયા હતા. જો કે, પુત્ર નરેશને અન્ય યુવતી સાથે પ્રેમ હોવાથી તેમણે સબંધ કાપી નાખવા ઘણીવાર સમજાવ્યો હતો. જેથી તેના પિતા અને પરિવારે તેને કંઇપણ કહેવાનું બંધ કરી દીધું હતુ. નરેશે અડધા લાખનું દેવું કરી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ નરેશ તેના બાયડ-આંબલિયારા ગામે રહેતાં ફોઇબાના ઘરે જતો રહ્યો હતો. જ્યાંથી તેની પોલીસે ધરપકડ કરી હતી. પુત્ર આડા રસ્તે જતો હોઇ પિતાએ તેની સાથે બોલવાનું ઓછું કરી દીધું હતુ. તેમણે ઉમેર્યું કે અપલક્ષણ જોઇ તેને માર્યો પણ હતો.

અન્ય સમાચારો પણ છે...