ખડોલ અકસ્માતમાં પુત્ર અને પૌત્રના મોતના આઘાતમાં માતાઅે પણ દેહ છોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના ખડોલ ગામે રહેતાં નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.રાઠોડના પરિવાર પર કુદરત રૂઠી હોય તેમ એકપછી એક વજ્ઘાત કરી રહી છે. માર્ગ અકસ્માતમાં પુત્ર-પૌત્રના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત સહન નહી થતાં કે.બી.રાઠોડના પત્ની રેવાબા પણ બેશુધ્ધ હાલતે જ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.

કપડવંજના ખડોલ ગામે રહેતાં નિવૃત્ત પીએસઆઇ. કનકસિંહ બી.રાઠોડના પુત્ર પાવનસિંહ તથા પત્ની રીન્કુબેન અને દોઢવર્ષીય પૌત્ર કવિરાજસિંહને મોતીપુરા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં આઇસર ટેમ્પોની જીવલેણ ટક્કરથી ગંભીર રીતે ઘવાયેલાં પાવનસિંહ અને પૌત્ર કવિરાજસિંહના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે પુત્રવધૂ રીન્કુબેનને પ્રાણઘાતક ઇજા થતાં અમદાવાદ દવાખાને ખસેડાયા હતા. જ્યાં તેણીની હાલત પણ વધુ ગંભીર ગણાવાઇ રહી છે. આ અંગે નિવૃત્ત પીએસઆઇ.કે.બી.રાઠોડે કહ્યું કે, પોતાના પુત્ર પાવનસિંહ અને લાડકવાયા પૌત્ર કવિરાજસિંહના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગતાં રેવાબા કનકસિંહ રાઠોડ પણ ફસડાઇ પડ્યાં હતા અને સુનમુન થઇ ગયા હતા. દરમિ્યાનમાં ગઇકાલે શુક્રવારે મૃતક પુત્ર અને લાડલાં પૌત્ર કવિરાજના અગ્નિસંસ્કારની વિધિ સંપન્ન થયા બાદ રેવાબા કે.રાઠોડ વધુ ગંભીર થઇ હૈયાફાટ વલોપાત કરતાં રહ્યાં હતા. દરમિયાનમાં શુક્રવારે સાંજના રેવાબાની તબીયત વધુ ગંભીર બની હતી અને બેશુધ્ધ થઇ જતાં તેમને વાત્રક દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી રેવાબાને મૃત ઘોષિત કર્યા હતા. તેમ કનકસિંહે જણાવ્યું હતુ. તેમણે રડમસ અવાજે કહ્યું કે, પત્ની રેવાબાના મોતના સમાચાર સાંભળી હું પોતે (કનકસિંહ) પણ ભાંગી પડ્યો હતો અને માંડમાંડ જાતને સંભાળી લીધી હતી અને જીવનસંગિની ગુમાવ્યાની વેદનાને હ્રદયમાં ભંડારી લઇ પત્નીના નિશ્ચેત દેહને લઇ ઘરે પહોંચ્યા હતા.

નિવૃત્ત પીએસઆઇ પર કુઠારાઘાત

અન્ય સમાચારો પણ છે...