મહેમદાવાદ અર્બન પીપલ્સ કો. ઓ. બેંકના ડિરેક્ટરોનું કૌભાંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદમાં આવેલી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો. ઓપરેટીવ બેંકને લોન અને કેવાયસીના ધોરણો સંદર્ભે આર.બી.આઇ.ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઇ ખળભળાટ મચ્યો છે. બેંકના ડિરેક્ટરોએ આર.બી.આઇ.ના નિયમોને નેવે મૂકી સંબંધીઓને લોનની લ્હાણી કરવાનું કૌભાંડ આચરતા નોબત આવી છે.

મહેમદાવાદ સ્થિત અર્બન પીપલ્સ કો. ઓપરેટીવ બેંકમાં લોકોએ વિશ્વાસ રાખી પોતાના પરસેવાની કમાણીના નાણાં બચત તરીકે મૂક્યા છે. પરંતુ બેંકના કેટલાક સત્તાધીશો તેનો દુરૂપયોગ કરતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં આ બેંકના કેટલાક ડિરેક્ટરોએ પોતાના નજીકના સંબંધીઓને નિયમો વિરૂધ્ધ રૂ. 2 લાખનું ધિરાણ લોન તરીકે પધરાવી દીધી છે. આ બાબત આર.બી.આઇ.ના ધ્યાન પર આવતા બેંકની સામે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આર.બી.આઇ.ના ચીફ જનરલ મેનેજર યોગેશ દલાલ દ્વારા મહેમદાવાદ અર્બન બેંકને નોટિસ સ્વરૂપના પત્રમાં સ્પષ્ટ કર્યુ છે કે, બેંકે લોન મંજૂર કરવા અને ડિરેક્ટર કેવાયસી સહિતના ધોરણો સંદર્ભે આર.બી.આઇ.એ આપેલા નિર્દેશોનું પાલન કરવામાં બેંક નિષ્ફળ ગઇ છે. જેના કારણે બેકીંગ રેગ્યુલેશન્સ એક્ટ 1949ની કલમ (1)(સી)ની કલમ A 46 (4) (સી)ની જોગવાઇઓ હેઠળ દંડ લાગુ કરાયો છે. બીજી બાજુ આ મુદો્ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો બેંકના સત્તાધીશો આ રીતે લોનની લ્હાણી કરતા રહેશે તો ભૂતકાળમાં સહકારી બેંકોએ કરેલા ઉઠમણાં જેવી વરવી સ્થિતિ સર્જાવાની સાથોસાથ બેંકની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયું છે.

બેંકમાં રૂબરૂ આવો તો વાત કરીએ : મેનેજર
આ મુદે્ આ અર્બન પીપલ્સ કો.ઓ. બેંકના મેનેજર ગોપાલભાઇનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમણે આ બાબતે બેંકમાં રૂબરૂ આવવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે ફોન પર વાત કરી શકાય એમ નથી. તેમણે બેંકના બીજા સત્તાધીશોના નંબર આપવાની ના પાડી ફોન કટ કરી નાંખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...