બિલોદરા હત્યા પ્રકરણમાં 8ને આજીવન કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના જૂના બિલોદરામાં 2015માં મોબાઇલ પર અપશબ્દો બોલતાં શખ્સને ઠપકો આપવા બાબતને લઇને થયેલી તકરારમાં 8 શખ્સોએ મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે શુક્રવારે નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા 8 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.5 હજારના દંડનો હુકમ કર્યો હતો. નડિયાદ તાલુકાના જૂના બિલોદરા ગામમાં 27મી ઓગસ્ટ, 2015ના રોજ ફોન પર અપશબ્દો બોલવા મામલે ઠપકો કરનાર બાલુબેનને માર મારનારા શખ્સને, બાલુબેનના ભાઇ ચંદુભાઇ કાભઇભાઇ સોઢા (ઉ.વ.30) પૂછવા જતાં, ઉશ્કેરાયેલા 8 શખ્સોએ મળીને ચંદુભાઇને ધારિયું મારી, ગડદાપાટુનો માર મારતાં તેમને ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે કૈલાશબેન મંગળસિંહ ચૌહાણની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ શુક્રવારે સેસન્સ જજ કે.એસ.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ વિરૂધ્ધના પુરાવાઓ અને સરકારી વકીલ મિનેષ આર.પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી, ન્યાયાધિશ કે.એસ.ત્રિવેદીએ ઇન્ડીયન પીનલ કોડ 302ના ગુનામાં આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

મહિલાને માર મારતાં મામલો ગરમાયો : સાક્ષીઓની જુબાની મહત્વની પૂરવાર થતાં કોર્ટે સજા ફટકારી
8 આરોપીઓને આજીવન કેદ
મુકેશ કાન્તિભાઇ સોઢા, અરવિંદ પૂંજાભાઇ સોઢા, અશ્વિન ભલાભાઇ સોઢા, દિનેશ મોહનભાઇ સોઢા, રણજીત ફતાભાઇ સોઢા, નવીન પૂંજાભાઇ સોઢા, નટવર રામાભાઇ સોઢા, કાન્તિ હાથીભાઇ સોઢા.

મામલો શું હતો ?
જૂના બિલોદરા ગામે રહેતો મુકેશ કાન્તિભાઇ સોઢા તા.27મી ઓગષ્ટ,15 ના રોજ 7.30 થી 8.00 ના અરસામાં નજીકમાં રહેતા બાલુબેનના વાડામાં ઉભો રહીને ફોન ઉપર અપશબ્દો બોલતો હતો. જેથી આ મામલે બાલુબેને અપશબ્દો ન બોલવા કહેતા, મુકેશે બાલુબેનને માર માર્યો હતો. જેને લઇને ઝઘડો થયો હતો. જે મામલે ચંદુભાઇ પૂછવાં જતાં 8 શખ્સોએ ધારિયું અને ગડદાપાટુનો માર મારતાં ચંદુભાઇનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...