નડિયાદ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા વધુ એક ડબ્બો તૈયાર કરાયો હતો. 500 થી 700 ઢોર પૂરી શકાય તેટલી ક્ષમતા ધરાવતા આ ડબ્બામાં હાલમાં 55 જેટલી ગાયો પુરવામાં આવી છે, જેમની ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરાઇ છે.
નડિયાદ શહેરમાં 3000 થી 4000 જેટલા રખડતા ઢોરો હોવાનો એક અંદાજ પાલિકા ધરાવે છે. છાશવારે પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડીને તેમને ડબ્બે પુરવામાં આવે છે. પાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇન્દિરા નગરીમાં ઢોર પુરવાનો નવો ડબ્બો બનાવવામાં આવ્યો છે. અહીં પુરાયેલા પશુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ મામલે આ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રખડતા ઢોર મામલે કડક કામગીરી હાથ ધરવામાં આવશે.
300ના બદલે 1000નો દંડ કરવા વિચારણા
હાલમાં ઢોર ઝડપાયા બાદ 300 રૂ. નો દંડ અને પ્રતિદિન ખાધાખોરાકીનો રૂ.100 લેખે દંડ વસુલવામાં આવે છે. દંડની રકમ ઓછી હોઇ, પશુપાલકો દંડની રકમ ભરીને પશુઓને છોડાવી જતાં હોઇ, હવે આ મામલે ઠરાવ કરીને દંડની રકમ વધારવામાં આવશે.