તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • વિધાનસભાની ચૂંટણી વખતથી ખેડા ભાજપમાં ચાલી રહેલી સખળડખળ શમવાનું

વિધાનસભાની ચૂંટણી વખતથી ખેડા ભાજપમાં ચાલી રહેલી સખળડખળ શમવાનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી વખતથી ખેડા ભાજપમાં ચાલી રહેલી સખળડખળ શમવાનું નામ નથી લેતી. કપડવંજ પંથકમાં બિમલ શાહ જૂથના 9 નગરસેવકોને સસ્પેન્ડ કર્યા બાદ હવે ડાકોર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણી દરમિયાન બળવાનું બ્યૂલગ ફૂંકનાર સાત સભ્યોને પાર્ટીએ બહાર નીકળવાનો દરવાજો બતાવી દીધો છે. બળવાખોર સભ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી નગરમાં ઉપવાસનું શસ્ત્ર ઉગામનારા ઉપેન્દ્ર ઉપાધ્યાય (બકુડો) નો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સાત સભ્યો પણ સસ્પેન્ડ થતાં રાજકીય ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણીએ સાત સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવ્યો છે. જેમાં જણાવાયું છે કે તા. 3જી માર્ચ, 2018ના રોજ ડાકોર નગરપાલિકામાં હોદે્દારોની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરીને શિસ્તભંગ કરી છે. તેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમજ પાર્ટીમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ડાકોર પાલિકામાં ભાજપના શાસનમાં ભાજપના જ સાત સભ્યોને સસ્પેન્ડ કરવાના આ હુકમના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સસ્પેન્શનની એક નકલ જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહ ચૌહાણને પણ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. 6ના અને પ્રમુખના વોર્ડમાંથી ભાજપની પેનલમાંથી ચૂંટાયેલા કાઉન્સીલર બકુડાએ પોતાના વોર્ડમાં ઓછા ફોર્સથી પાણી મળવું, દૂષિત પાણી મળવું તથા રસ્તાના રીસરફેસીંગ જેવા પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા પાંચ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન છેડ્યું છે. જેને કાઉન્સીલરો અને નગરજનોનું સમર્થન મળવા લાગ્યું છે. સાત સભ્યો સામે ઘટનાના પોણા ત્રણ માસ બાદ ભાજપે શિસ્તનો ડંડો ઉગામ્યો તેની પાછળની એક મહત્વની વાત આ ઉપવાસ આંદોલન અને તેને મળેલું સમર્થન છે. ડાકોરમાં ભાજપની દશા સાપે છછૂંદર ગળ્યા જેવી છે !

અન્ય સમાચારો પણ છે...