છેતરપિંડી કરી બોલેરો લઇ આવેલો ગઠિયો પકડાયો
નડિયાદ | ડિવીઝન સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમીના આધારે પીજ રોડ ઉપરથી ચિટીંગની બોલેરો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
નડિયાદ ડિવીઝન સ્ક્વોડની ટીમ પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, નડિયાદ શહેરના પીજ રોડ ઉપર કર્મ નગરી સોસાયટી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બોલેરો ગાડી લઇને ઉભો છે. જેથી પોલીસે ઘટનાસ્થળ ઉપર જઇ તપાસ કરતાં, ત્યાં એક શખ્સ ઉભો હતો. જેને નામ - ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મહંમદ સુલેમાનભાઇ વોરા (રહે.પીજ, છાપી ભાગોળ, તા.વસો) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની બોલેરો પીકઅપ ગાડી બાબતે અને તેના કાગળીયા બાબતે પૂછતાં, તે રજૂ કરી શક્યો ન હતો, કે સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો. જેથી પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી, તપાસ કરતાં આ ગાડી મામલે અમદાવાદ શહેરના નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી આ મામલે આરોપીને નારોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.