Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડતાલમાં એક સાથે પાંચ વર્ષનો ધર્માદો સ્વીકારવા બાબતે વિવાદ
વડતાલ સ્વામિનારાયણ મંદિરની ટેમ્પલ કમિટીની ચૂંટણી દિવસે દિવસે નજીક આવતી જાય છે, તેમ નવા નવા વિવાદો સર્જાઇ રહ્યા છે. આ ચૂંટણીની મતદારયાદીમાં નામ લખાવવા 5 વર્ષ ધર્માદો આપવો જરૂરી છે. આ મુદ્દે શુક્રવારે ધર્માદો કરવા આવેલા હરિભક્તોનો ધર્માદો સ્વીકારવાના લઇને હોબાળો મચ્યો હતો. જોકે, અચાનક એક પોસ્ટમાં 5 વર્ષનો ધર્માદો એકસાથે ભરવાની વાત વહેતી થતાં દોડધામ મચી હતી. આખરે આ વિવાદીત પોસ્ટનું બોર્ડ દ્વારા ખંડન કરાયું હતું. અરજીઓની ચકાસણી બાદ ચૂંટણીની મતદારયાદીમાં યોગ્ય સુધારા વધારા સાથેના આખરી મતદાર યાદીઓ 9મી ફેબ્રુઆરી, 20 અગાઉ વડતાલ તથા તેમના તાબાના શિખરબંધ મંદિરોએ પ્રસિદ્ધ કરાશે.
વડતાલમાં પોષી પૂનમે સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. જેમાં કેટલાક હરિભક્તો ધર્માદો આપવા કાર્યાલય પર ગયાં હતાં. જોકે, તે સમયે એક સાથે 5 વર્ષનો ધર્માદો સ્વીકારવાના મુદ્દે હોબાળો મચ્યો હતો. મામલો સંતો સુધી પણ પહોંચ્યો હતો. જોકે, આ મુદ્દે લાંબો સમય ખેંચતાણ બાદ મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટમાં ધર્માદા અંગેનો કોર્ટ કેસ પેન્ડીંગ છે. જે સંદર્ભે 6 જાન્યુઆરી, 2020ના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન વડતાલ ટેમ્પલ બોર્ડના વકીલ દ્વારા કોર્ટને રજુઆત કરાઈ હતી કે, જે કોઇ સત્સંગી સ્વયં વડતાલ આવી અને પોતાની આવકનો 10મો 20 ભાગ ધર્માદો આપે છે. તે સત્સંગીઓનો ધર્માદો વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી સ્વીકારવામાં આવે છે. આજદિન સુધી જે કોઇ સત્સંગીઓ સ્વયં વડતાલ આવી ધર્માદો જમા કરાવે છે. તેઓનો ધર્માદો વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવેલો છે. વિશેષમાં નિયમ અને પરંપરા મુજબ ધર્માદો જે તે વર્ષે જ ભરવાનો હોય છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
સ્વામિનારાયણ વડતાલ ગાદીના નામથી સોશ્યલ મીડિયામાં ધર્માદો ભરવા અંગેની પોસ્ટ વાયરલ કરાઈ છે. જેમાં વકીલ સ્વામી પાસેથી ફોર્મ મેળવી એક સાથે 5 વર્ષનો ધર્માદો ભરી દેવો તેવી વાત કરાઈ છે. આ ધર્માદા માટેનું ફોર્મ વકીલ સ્વામી પાસેથી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે.