ખેતી માટે પાણી અપાતું હોવાની શંકાથી COએ સંપને તાળુ માર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ તાલુકાના ચકલાસી પાલિકા પ્રમુખના વોર્ડ નં.1માં આવેલા ર્વાટર વર્કસને તાજેતરમાં શુક્રવારે સાંજે ચીફ ઓફિસરે મનસ્વી રીતે તાળું મારી દીધું છે. પરિણામે આ વિસ્તારના રહીશોને કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ પ્રમુખને પોતાના જ વોર્ડમાં બનેલી આ ઘટનાની કોઇ જાણકારી પણ નથી ! રોષે ભરાયેલા રહીશો શનિવારે ર્વાટર વર્કસ પાસે ભેગા થઇને ચીફ ઓફિસરના નામના છાજિયા લઇ રોષ ઠાલવ્યો હતો.

ચકલાસીના વોર્ડ નં. 1માં આવેલા ભોખરપુરા વિસ્તારમાં પાલિકાનું ર્વાટર વર્કસ આવેલું છે. જેમાંથી પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ જ વોર્ડમાંથી સભ્ય તરીકે ચૂંટાયેલા અંબાલાલ પૂનમભાઇ વાઘેલા પાલિકાના વર્તમાન પ્રમુખ છે. છતાં તેમના જ વોર્ડમાં તેમને જાણ કર્યા વિના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ તાજેતરમાં શુક્રવારે સાંજે એકાએક આ ર્વાટર વર્કસ પાસે પહોંચ્યા હતા, અને તેના ઓપરેટરને હડસેલી દઇ રૂમને તાળું મારી દઇ તેની ચાવી લઇ જતા રહ્યા હતા. પરિણામે શુક્રવારે સાંજથી આ વિસ્તારના રહીશોને પાણીનો સપ્લાય અટકી ગયો છે. આ ર્વાટર વર્કસમાંથી ખેતી માટે પાણી આપી ધંધો કરાતો હોવાની શંકાના આધારે C.O.એ આવું પગલું ભર્યું હોવાનું મનાય છે. જોકે, હાલની અસહ્ય ગરમીમાં આ સ્થિતિ સર્જાતા ભેગા થયેલા રહીશો અને કાઉન્સીલરે જણાવ્યું હતું કે, કોઇ કારણ આપ્યા વિના ચીફ ઓફિસરે આવું પગલું ભર્યું અને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં શિક્ષાત્મક પગલાં ભરવા જોઇએ.

ચકલાસીમાં સંપને તાળુ મારી દવાતાં રહીશો અને સ્થાનિકો ભેગા થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...