ડાકોર પદયાત્રિઓનું આગમન શરૂ પણ પાયાની વ્યવસ્થા અાપવામાં તંત્ર ઉણું ઉતર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ:  ભગવાન રણછોડરાયના ધામ તરફ પદયાત્રિઓનું પ્રયાણ શરૂ થયું છે. ખેડા જિલ્લામાં પણ પદયાત્રિઓનું આગમન થઇ રહ્યું છે, પરંતુ પદયાત્રિઓ માટે પાયાની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. એક તરફ બેફામ ગતિએ પસાર થતાં વાહનો ઉપર સત્વરે લગામ લગાવવાની જરૂર છે, તો બીજી તરફ માર્ગ પર મોબાઇલ શૌચાલયો ત્વરિત શરૂ કરવાની જરૂર છે. હવે ફાગણી પૂનમના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્રએ ગતવર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓમાં ઢીલ મૂકી હોવાનું જોવા મળી રહ્યું છે.  

 

તંત્ર પાયાની સુવિધા ઉભી કરવામાં પણ ઉણુ ઉતર્યાનું જોવા મળી રહ્યું છે


ડાકોરમાં ફાગણી પૂનમના મહોત્સવની ભગવાન રણછોડરાયના ધામમાં ઉજવણી કરવા ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ડાકોર તરફ પદયાત્રિઓનો પ્રવાહ શરૂ થયો છે. જય રણછોડ...ના ગુંજારવ સાથે ડાકોર તરફ જઇ રહેલા પદયાત્રિઓ માટે તો અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામા ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ તંત્ર પાયાની સુવિધા ઉભી કરવામાં પણ ઉણુ ઉતર્યાનું જોવા મળી રહ્યું છે.

 

 

પદયાત્રિઓ માટે રાસ્કા ચેકપોસ્ટથી લઇને ખાત્રજ ચોકડી સુધી એકપણ મોબાઇલ શૌચાલય મૂકવામાં આવ્યા નથી. જેને કારણે સૌથી વધુ પરેશાની મહિલા પદયાત્રિઓને વેઠવી પડી રહી છે. રાસ્કાથી ખાત્રજ ચોકડી સુધીની જો વાત કરીએ તો મંદિરોમાં કે અન્ય વિસામાઓ સિવાય ક્યાંય મોબાઇલ ટોઇલેટ જોવા મળતાં નથી.ત્યારે તંત્ર દ્વારા સત્વરે પદયાત્રિઓની સુવિધા માટે શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે.

 

 

સ્પીડ બ્રેકરની ઉગ્ર માગ

 

અમદાવાદથી મહેમદાવાદ તરફનો માર્ગ સતત વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. બેફામ ગતિએ જતાં વાહનો વચ્ચે પદયાત્રિઓની સુરક્ષાને લઇને સતત ભય વ્યક્ત રહે છે. આ માર્ગ પર હંગામી ધોરણે સ્પીડ બ્રેકર ઉભા કરવાની તાતિ જરૂર હોવા છતાં તંત્ર દ્વારા તે કરવામાં આવી નથી. આથી તે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરાઇ છે.