નડિયાદ: ક્યારેક ઉકરડામાંથી તો ક્યારેક ઝાડી ઝાંખરામાંથી, ક્યારેક ટ્રેનમાંથી તો ક્યારેક બજારમાંથી મળી આવતાં બાળકો. તેમના માતા- પિતા, પરિવારથી સાવ અજાણ. જોકે આ અનાથ બાળકો પણ પોતાનું નસીબ તો લઇને જ આવ્યા હોય છે. ભલે માતા-પિતા-પરિવારે ત્યજી દીધા પણ સહેજ પણ તકલીફ વગર આશ્રમના ખુશનુમા વાતાવરણમાં વર્ષો પસાર કર્યા બાદ તેમની નિયતી એમના જીવનમાં અનોખો બદલાવ લાવે જ છે, અને આ બાળકોને પરીવાર મળે છે. નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમના આવા જ ત્રણ બાળકો 10 મી માર્ચે પોતાના પરિવાર સાથે વિદેશ જશે.
અનાથ બાળક... આ શબ્દ આવે એટલે કે ક્ષણભરમાં અનેક વિચારો વિજ વેગે મગજમાં પસાર થાય છે. સામાન્ય રીતે અનાથ બાળકોને દયાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જોકે અન્ય બાળકોની જેમ જ આ બાળકો પણ પોતાનું નસીબ લખાવીને જ આવ્યા હોય છે. ભલે જીવનના અમૂક વર્ષો કે દિવસો તેમણે મુશ્કેલીમાં પસાર કર્યા હોય પરંતુ માતૃછાયા અનાથ આશ્રમમાં આવ્યા બાદ આ બાળકો ખૂબજ સુરક્ષીત અને સુંદર વાતાવરણમાં રહે છે. જેને કારણે આ બાળકોનો વિકાસ ખૂબજ સારો થાય છે. આ બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ બાળકોને દેશ તેમજ વિદેશમાં દત્તક પણ આપવામાં આવે છે.
માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા વર્ષ 1996 થી અત્યાર સુધીમાં દેશ – વિદેશમાં 980 બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. હવે 10 મી માર્ચે અનાથ આશ્રમની બે દીકરીઓ કુવૈત જશે, જ્યારે દીકરો ઇટાલીના માઇલ્ટા જશે. જે પરિવારો બાળકોને દત્તક લઇ રહ્યા છે તેઓ દરરોજ આ બાળકો સાથે વાતચીત કરે છે, બાળકો પણ ખૂબજ આત્મીયતાથી તેમના વાલીઓ સાથે ભળી ગયા છે અને મમ્મી - પપ્પા પાસે જવાનું છે તેને લઇને ભારે ઉત્સાહીત પણ છે. અનાથ આશ્રમમાંથી ગયા બાદ પણ આ બાળકોની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં તો બાળકોના એડોપ્શનને લઇને અનાથ આશ્રમમાં ખૂશી પણ છે અને પોતાના સંતાનોની જેમ જેમનું જતન કર્યું છે તે બાળકોથી વિખુટા પડવાનું દુ:ખ પણ છે.
સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી તમામ પ્રક્રિયા થાય છે
માતૃછાયા અનાથ આશ્રમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી દ્વારા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા કરે છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 મુજબ ગુજરાત ગવર્મેન્ટના સામાજીક ન્યાય અને અધિકારીતા દ્વારા દેશ-પરદેશમાં બાળક દત્તક આપવાની પરવાનગી આપવામાં આવી છે. જે પરિવાર બાળક દત્તક લેવા ઇચ્છતા હોય તેમણે ભારત સરકારની વેબસાઇટ www.cara.nic.in ઉપર રજીસ્ટર કરવાનું હોય છે, જ્યારબાદ સરકાર દ્વારા પ્રોસિજર પૂર્ણ કરી તેનો રિપોર્ટ પણ સરકારને આપવાનો હોય છે.
1996 થી અત્યાર સુધીમાં 980 બાળકોનું એડોપ્શન
- દેશમાં: 896 બાળકો દત્તક અપાયાં
- એન.આર.આઇ. પરિવારમાં: 31 બાળકોને દત્તક અપાયાં
- વિદેશી પરિવારમાં: 53 બાળકોને દત્તક અપાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.