નડિયાદ: નડિયાદ તાલુકાના સિલોડ ગામની સીમમાં એક ખેતરમાં છાપરૂ બનાવી રહેતા એક શ્રમજીવીની કોઈ અજાણ્યા ઈસમોએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી જીવલેણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે જિલ્લા એલસીબી ટીમે ત્રણ મહિનાની મહેનત બાદ સુરત તથા મહેળાવ ખાતે રહેતા બે શ્રમજીવી ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.રાઠોડે જણાવ્યુ હતું કે, સિલોડ ગામની સીમમાં રાયસીંગભાઈ ભલાભાઈ ચૌહાણના ખેતરમાં છાપરૂં બનાવી ખેતમજૂર નટુભાઈ દીપસિંહ ખાંટ (રહે.વાલાગોટા, તા.લીમખેડા, જિ.પંચમહાલ) રહેતા હતા. તેમની 24મી એપ્રિલની રાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ માથામાં લાકડાનો ધોકો મારી હત્યા કરી હતી. આ કેસની તપાસમાં એલસીબી તથા એસઓજીની પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવાનો શરૂ કર્યો હતો. દરમિયાન આ બનાવ પહેલા ડભાણ ગામના રાધેશ્યામના નાની સિલોડની સીમમાં આવેલા કુવા ઉપર ગત તા.17 એપ્રિલના રોજ રાત્રીના સમયે 65 બોરીઓ તમાકુ સળગી જવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ હતું.
આ બનાવ સંદર્ભે પોલીસે રાધેશ્યામભાઈના કુવા ઉપર મજૂરીકામ કરતાં ઈસમો પૈકીના જ મજૂરે આ તમાકુ સળગાવેલાનું તપાસમાં બહાર આવ્યુ હતું. જે સંદર્ભે પોલીસે તમામ મજૂરોની પૂછપરછ કરતાં રાજુભાઈ સોમાભાઈ રાઠોડ (રહે.ઉગતરોડ, પાણીની ટાંકી પાસે, સુરત) તથા તેના માતા રમેશભાઈ બચુભાઈ વાઘેલા મળી આવેલા નહતા. જેથી આ બંન્નેની તપાસ કરતાં તેઓ ડભાણ ગામ છોડી ગયા હોવાનું જણાઈ આવ્યુ હતું. પોલીસે તપાસ દરમિયાન રાજુ રાઠોડ તથા રમેશ વાઘેલાની પૂછપરછ કરતાં ભૂતકાળમાં રાધેશ્યામે મજૂરી બાબતે મારમાર્યો હતો. જેની અદાવત રાખી રાજુ તથા રમેશે તા.17મીના રોજ તમાકુ સળગાવી દીધી હતી. જે નટુભાઈ ગામમાં બધાને તથા રાધેશ્યામને કહી દેશે, તે બીકે તા.24મીના રોજ નટુભાઈ ઘરે એકલા હતા ત્યારે હત્યા કરી હતી. આ સંદર્ભે એલ.સી.બી પોલીસે રાજુ રાઠોડ તથા રમેશ વાઘેલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.