• Gujarati News
  • 7 Kheda District In Place Of Pilgrimage, Including Dakor Car Procession

યાત્રાધામ ડાકોર સહિ‌ત ખેડા જિલ્લામાં 7 સ્થળે રથયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ, લીંબાસી, મહુધા, કઠલાલ, કપડવંજ અને ત્રાજમાં રથયાત્રાનું પર્વ ઉજવાશે : કાયદો - વ્યવસ્થા અંગે બેઠક મળી

અષાઢી બીજના પાવન પર્વે ખેડા જિલ્લામાં યાત્રાધામ ડાકોર સહિ‌ત કુલ ૭ જેટલાં સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. રથયાત્રાનું પર્વ શાંતિના માહોલમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજ્યના ન્યાય અને અધિકારીતા મંત્રી તેમ જ જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ વોરાની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અમલીકરણ અધિકારીઓ અને ખાસ કરીને પોલીસ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

નડિયાદ ખાતે મળેલી બેઠકમાં મંત્રીએ પ્રાંત કક્ષાએ શાંતિ સમિતિની બેઠકો યોજી સમાજના આગેવાનોનો સહયોગ મેળવીને શાંત વાતાવરણમાં રથયાત્રા નીકળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ તંત્રને પૂરતો બંદોબસ્ત ગોઠવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પૂરતાં પગલાં લેવા સૂચવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે 'જિલ્લામાં મુખ્યત્વે ડાકોર, નડિયાદ, લીંબાસી, મહુધા, કઠલાલ, કપડવંજ અને ત્રાજ મુકામે સવારે ૭ કલાકથી રથયાત્રાનું પરીભ્રમણ થશે. આ અંગેના પૂર્વ આયોજન રૂપે સમગ્ર જિલ્લાની સાથે સાથે વિશેષ રૂપે સાતેય સ્થળો ખાતે પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જાહેરનામાઓને અનુલક્ષીને કામગીરી સઘન બનાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક તાલુકા મામલતદાર કચેરીઓએ તેમ જ જિલ્લાકક્ષાએ કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનાર પોલીસ ટીમને હેન્ડ સેટ, બાયનોક્યુલર, મેટલ ડિટેક્ટર જેવા અદ્યતન સાધનોથી સુસજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરી તેમ જ નગરમાં રથયાત્રાના રૂટ પર ધાબા પોઇન્ટ બનાવીને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર, રથયાત્રા, રથયાત્રાના આયોજકો, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ તેમ જ સ્થાનિક એનજીઓની રથયાત્રાને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી સંદિપકુમાર સાંગલે સહિ‌ત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ, બોરસદ અને પેટલાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આણંદ . આણંદ અને વિદ્યાનગર, બોરસદ અને પેટલાદમાં ૯ અને ૧૦મી જુલાઈના રોજ રથયાત્રા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય અને કોઈ અવ્યવસ્થા ન સર્જા‍ય તે હેતુથી આણંદ નગરપાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, રણછોડજી મંદિર અને વિદ્યાનગરના ઈસ્કોન મંદિરના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ હાજ રહ્યાં હતાં.

આ ઉપરાંત બોરસદમાં યોજાયેલી બેઠકમાં ડીવાયએસપી આર.એમ.નકૂમ, પીઆઇ આર.ડી.ડાભી, મામલતદાર આર.આર.બારડ, પાલિકા પ્રમુખ રમેશભાઇ રબારી તેમજ હિ‌ન્દુ અને મુસ્લિમ આગેવાનો હાજર રહ્યાં હતાં. જ્યારે પેટલાદમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠક આણંઘ્ જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ, ચીફઓફિસર ડી.જી.પરમાર, પાલિકા પ્રમુખ મીનાક્ષીબેન રાઠોડ, ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ સહિ‌ત નગરના આગેવાનો હાજર રહ્યાં હતાં. બેઠકમાં નગરની ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો.