રેલિયા ચેકપોસ્ટ પાસે ટ્રક ભરી ૪૧ લાખનો દારૂ પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લા એલસીબીએ મસમોટું કન્સાઈન્મેટ પકડી પાડયું
ખેડા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના અધિકારીઓએ કપડવંજ તાલુકાના રેલિયા ચેક પોસ્ટ પાસેથી વિદેશીદારૂનો જથ્થો ભરેલ એક ટર્બો ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકમાંથી ૮૦પ પેટી વિદેશી દારૂ તથા ૨૬૦ પેટી બિયર મળી કુલ રૂ. ૪૧.૦૪ લાખના જથ્થા સાથે ટ્રકના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એ.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે શનિવારે કપડવંજ પંથકમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે, ટર્બો ટ્રક નં. જી.જે.૧૨.એ.વાય-૪૦પ૧ વિદેશી દારૂનો જથ્થો ભરી કપડવંજ રેલિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થનાર છે. જે બાતમીના ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. મોડી સાંજના નંબર વાળી ટ્રક આવતા પોલીસે તેને કોર્ડન કરી લીધી હતી.
પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઈશાક મહંમદખાન પઠાણ (રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યુ હતું. ટ્રકની તલાશી કરતાં તેમાંથી જુદા-જુદા વિદેશી દારૂની ૮૦પ પેટી, ૨૬૦ પેટી બિયર મળી કુલ રૂ. ૪૧.૦૪ લાખનો જથ્થો હસ્તગત કર્યો હતો. આટલો મોટો જથ્થો જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સંદર્ભે એલ.સી.બી પોલીસે ૪૧ લાખનો દારૂ તથા ૧૮ લાખની ટર્બો ટ્રક સહિ‌ત કુલ રૂ. પ૯.૦૪ લાખનો મુદ્દામાલ હસ્તગત કરી કપડવંજ રૂરલ પોલીસ મથકે ઈશાકભાઈ મોહંમદખાન પઠાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દંગાની મુવાડીમાં સંતાડેલો ૧૦ લાખનો દારૂ ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એચ.ઠાકરે બાતમી આધારે તોરણા તાબે આવેલ દંગાની મુવાડીમાં રહેતા ગોવિંદભાઈ ગોતાભાઈ સોલંકીના ઘરે દરોડો પાડયો હતો. પોલીસે ઓરડીની તલાશી કરતાં તેમાંથી જુદા જુદા માર્કાની પરપ્રાંતની ૨૦૨ પેટી વિદેશી દારૂ તથા પ૬ પેટી બિયર મળી કુલ રૂ.૧૦,પ૮,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે ગોવિંદ સોલંકીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે આ વિદેશીદારૂનો જથ્થો કપડવંજ મોટા નાગરવાડામાં રહેતા વિરલભાઈ હસમુખભાઈ પરીખે સંતાડવા આપ્યો હોવાનું જણાવ્યુ હતું. આ સંદર્ભે પોસઈ એમ.એચ.ઠાકરની ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે ગોવિંદભાઈ ગોતાભાઈ સોલંકી વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પોસઈ એમ.એચ.ઠાકર ચલાવી રહ્યા છે.
નાગરવાડામાંથી ૭૪ હજારનો વિદેશી દારૂ ઝબ્બે
નડિયાદ : કપડવંજ નાગરવાડા વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાંથી પોલીસે ૬૦૯ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૭૪૯૦૦નો જથ્થો ઝડપી પાડયો હતો. કપડવંજ ટાઉન પોસઈ એલ.બી.રાણાને બાતમી મળી હતી કે, કપડવંજ નાગરવાડા વિસ્તારમાં આવેલ ખંડેર મકાનમાં વિરલ પરીખ નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ખંડેર મકાનમાંથી જુદા જુદા માર્કાની વિદેશી દારૂના ક્વાર્ટર તથા નંગ મળી કુલ ૬૦૯ બોટલ કિંમત રૂ. ૭૪૯૦૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ સંદર્ભે પોલીસે વિરલ પરીખની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કપડવંજ ટાઉન પી.આઈ એમ.એચ.ઠાકરે તોરણા તાબે આવેલ દંગાના મુવાડામાં એક ઓરડી પર દરોડો પાડી રૂ. ૧૦ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ દારૂ પણ વિરલ પરીખનો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું. જે સંદર્ભે પોલીસે વિરલ પરીખની બંન્ને ગુનામાં અટકાયત કરી તપાસ હાથ ધરી છે.