3.5 ઇંચ વરસાદમાં નટપુર ડૂબી ગયું, શહેરના અન્ય વિસ્તારો જળબંબાકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં પૂર્વ અને પ‌શ્ચિ‌મને જોડાતાં ચારેય ગરનાળા પાણીથી છલોછલ થઇ જતાં બંને વચ્ચેનો વહેવાર ઠપ થઇ ગયો : શહેરના અન્ય વિસ્તારો જળબંબાકાર

સમગ્ર જિલ્લા સહિ‌ત નડિયાદ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં સવા ૩ ઇંચ વરસાદ વરસતાં નડિયાદ શહેરનાં જુદાં જુદાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિસ્તારને જોડતાં ચારેય ગરનાળા પાણીથી છલોછલ ભરાઈ જતાં અવરજવર કરનારાં પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ચારેય ગરનાળાઓ અને પેટલાદ ફાટક પાસે ઓવરબ્રિજના કામના કારણે પ્રજાજનોને ચાર કિલોમીટર ફરીને ઓવરબ્રિજ પર થઈને આવવું પડયું હતું.

નડિયાદ શહેરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જા‍યું હતું, પરંતુ રાત્રે આ વાદળો વરસાદ સ્વરૂપે વરસી પડયાં હતાં. ઝરમર ઝરમર વરસાદે પણ નગરના મુખ્યમાર્ગો સંતરામ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ માર્ગ, સ્ટેશન રોડ, વૈશાલી રોડ, નાના કુંભનાથ રોડ, વાણિયાવડ સર્કલ, સિવિલ રોડ, મહાગુજરાત રોડ, બારકોશિયા રોડ, વિશ્વનગર ફ્લેટનો વિસ્તાર તેમજ સરદાર પટેલ ભવનનો માર્ગ પાણીથી ભરાઈ ગયો હતો. આ માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે અવરજવર કરતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેથી દર્દીઓને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી હતી. આ ઉપરાંત શહેરમાં જ્યાં પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજની લાઇનના ખાડાં ખોદવામાં આવ્યા છે. તેવાં સ્થળોએ ખાડાં પડી જવાના બનાવો બન્યાં હતાં. આ ખાડાંઓમાં વાહનો ફસાઈ જતાં બહાર કાઢવાની ભારે જહેમત પ્રજાજનો ઊઠાવી રહ્યા હોય તેવા દૃશ્યો પણ સર્જા‍યાં હતાં.

વિશ્વનગર રોડ પર ગાડી ખાડાંમાં ફસાઈ ગઈ

નડિયાદના વિશ્વનગર ફ્લેટ પાસે ખોદાયેલાં ખાડાંમાં વરસાદી પાણી ઊતરતાં ખાડો મોટો બની ગયો હતો અને વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી ગાડી ફસાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી, જ્યારે નડિયાદ શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં ઠેર-ઠેર વાહનો પાણીમાં બંધ પડી જવાના બનાવો બન્યાં હતાં.